crime
ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બે આરોપીઓને જન્મટીપ:બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો;મુસાફરોને લૂંટવાના ઇરાદે કુંડલી નજીક ટ્રેક પર લોખંડનો ટુકડો મૂક્યો હતો
બોટાદના અળવ પાસે ટ્રેન ઉથલાવી મુસાફરોને લૂંટવાના ઇરાદે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકી ટ્રેન અકસ્માત સર્જવાના ગંભીર કેસમાં બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે ગુનાની ગંભીરતા ધ્યાને રાખીને બંને આરોપીઓને આજીવન કેદ એટલે કે જન્મટીપની કડક સજા ફટકારી છે. ટ્રેન ઉથલાવી લૂંટ ચલાવવાનું કાવતરું ગત 25 સપ્ટેમ્બર 2024 ના રોજ રાત્રિના સમયે કુંડલી નજીક રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકીને ઓખા-ભાવનગર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રેન અકસ્માત સર્જીને તેમાં મુસાફરી કરી રહેલા નિર્દોષ મુસાફરોને લૂંટવાના ઈરાદા સાથે આ આખું ષડયંત્ર ઘડવામાં આવ્યું હોવાનો સંગીન આરોપ મૂકવામાં આવ્યો હતો. અળવ ગામના બે આરોપીઓ સામે કાર્યવાહી આ ચકચારી કેસમાં રાણપુર તાલુકાના અળવ ગામના રહેવાસી રમેશ કાનજી સલિયા અને જયેશ ઉર્ફે જાલો નાગરભાઈ બાવળિયા સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને અદાલતમાં મજબૂત પુરાવાઓ સાથે ચાર્જશીટ રજૂ કરી હતી. 55 પુરાવા અને 15 સાક્ષીઓની જુબાની કેસની સુનાવણી દરમિયાન સરકારી પક્ષ દ્વારા કોર્ટ સમક્ષ 55 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ અને 15 સાક્ષીઓની જુબાની રજૂ કરવામાં આવી હતી. અદાલતે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખી સુનાવણી પૂર્ણ થયા બાદ બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી દાખલો બેસાડ્યો છે.
Read full article on Divya Bhaskar