crime
પોલીસ ચોકીથી 500 મી. દૂર મહિલા પર પૂર્વ પતિનો હુમલો:સુરતમાં બીજા લગ્ન કરતા આરોપીએ પરિણીતાના ગળા ચપ્પુ ફેરવ્યું, અન્ય મહિલાએ બચાવવા વાળ ખેંચ્યા
સુરતના ઉધના વિસ્તારમાં મોડી સાંજે એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 2 દિવસ પહેલાં જ બીજા લગ્ન કરનાર મહિલા પર તેના પૂર્વ પતિએ જીવલેણ હુમલો કર્યો છે. ઉધનાની બીઆરસી પોલીસ ચોકીથી માત્ર 500 મીટરના અંતરે બનેલી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. પૂર્વ પતિ પાછળથી દોડતો આવીને અચાનક પત્નીના ગળા પર ચપ્પુ વડે વાર કરે છે, જેના કારણે મહિલા રસ્તા પર ઢળી પડે છે. જાહેરમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ છે. ગળા પર કર્યો વાર, અન્ય મહિલાએ બચાવવા વાળ ખેંચ્યા પોલીસ માહિતી મુજબ, 23 વર્ષીય કાજલબેન મહેશભાઈ દેવીપૂજક 24 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં તેમના સાસુ અને નણંદને મળવા જઈ રહ્યા હતા. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપી પૂર્વ પતિ સચિન પરિણીતાનો પીછો કરી પાછળથી દોડતો આવે છે અને સીધો જ ચપ્પુ વડે ગળા પર હુમલો કરે છે. કાજલબેન રસ્તા પર પડી જાય છે, ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે તેમની સાથે રહેલી અન્ય મહિલા તેમને બચાવવા પ્રયત્ન કરે છે. આટલું જ નહીં, આરોપી સચિન પૂર્વ પત્નીને છોડી દે તે માટે આ મહિલા હિંમતભેર તેના વાળ પણ ખેંચે છે. એક દિવસ પહેલાં જ કરેલા બીજા લગ્ન ખૌફનાક હુમલાનું મુખ્ય કારણ કાજલબેનના બીજા લગ્ન હોવાનું સામે આવ્યું છે. કાજલબેનના બીજા લગ્ન ઘટનાના માત્ર એક દિવસ પહેલા જ, એટલે કે 23 ઓક્ટોબર, 2026ના રોજ સુરતના હરીનગર ખાતે મહેશભાઈ દેવીપૂજક સાથે થયા હતા. અગાઉ વર્ષ 2023માં તેમના લગ્ન આરોપી સચીન મહેશભાઈ દેવીપૂજક સાથે થયા હતા અને તેમને 2 વર્ષનો દીકરો આરવ પણ છે. પરંતુ સંબંધોમાં તિરાડ પડતાં છૂટાછેડા થયા બાદ કાજલબેને આ બીજા લગ્ન કર્યા હતા. પોલીસ દ્વારા હુમલાખોર સચિનને પકડવા ચક્રો ગતિમાન આ હુમલામાં કાજલબેનને ગળાના ભાગે, જમણા હાથના બાવડાના ભાગે અને જમણા હાથના અંગૂઠા પર તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ ઘરકામ કરતા ઈજાગ્રસ્ત કાજલબેન પ્લોટ નં-20, વિજયાનગર-1, બી.આર.સી ઉધના ખાતે રહે છે. અગાઉ પોલીસ નિવેદનમાં હુમલાખોર અજાણ્યો હોવાનું નોંધાયું હતું, પરંતુ CCTV ફૂટેજ સામે આવતા પૂર્વ પતિ સચિનની ક્રૂરતા ખુલ્લી પડી ગઈ છે. ઉધના પોલીસે CCTV ફૂટેજના આધારે હુમલાખોર પૂર્વ પતિ સચિનને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar