crime
Mumbai : Blinkitના સ્ટોરનું ફૂડ લાઈસન્સ સસ્પેન્ડ, ફળ-શાકભાજી પર મોટી સંખ્યામાં વંદા મળ્યા
મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં આવેલા Blinkitના ડાર્ક સ્ટોર સામે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDA) મોટી કાર્યવાહી કરી છે. 7 ઓગસ્ટે કરવામાં આવેલા નિરીક્ષણ દરમિયાન ગંભીર સ્વચ્છતા અને ખાદ્ય સંગ્રહની ખામીઓ મળી આવ્યા બાદ Blink Commerce Private Limitedનું ફૂડ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. કોલ્ડ સ્ટોરેજની અયોગ્ય જાળવણી FDAની તપાસ દરમિયાન ફળો અને શાકભાજીના સ્ટોક પર મોટી સંખ્યામાં વંદા જોવા મળ્યા હતા. આ ઉપરાંત કેટલીક ખાદ્ય વસ્તુઓ સીધી જમીન પર રાખવામાં આવી હતી, જ્યારે કેટલાક રેક્સમાં કાટ લાગેલો હતો. કોલ્ડ સ્ટોરેજની જાળવણી પણ યોગ્ય ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. સાથે જ જીવાત અને ઉંદર નિયંત્રણની વ્યવસ્થા પણ અપૂરતી હોવાનું જણાયું હતું. કેટલાક પેકેટ સાથે કરાઈ છેડછાડ! તપાસ દરમિયાન કેટલીક એક્સપાયર થયેલી ખાદ્ય વસ્તુઓ પણ મળી હતી. કેટલાક પેકેટ નુકસાનગ્રસ્ત અથવા છેડછાડ કરાયેલા જણાયા હતા. સ્ટોરમાં ખાદ્ય સામગ્રીનું FIFO અને FEFO સિસ્ટમ મુજબ યોગ્ય આયોજન પણ કરવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત કચરા વ્યવસ્થાપન અને ખાદ્ય વસ્તુઓ સંભાળતા કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા અંગે પણ ખામીઓ નોંધાઈ હતી. કર્મચારીઓના મેડિકલ રેકોર્ડ અને જરૂરી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની વ્યવસ્થા પણ સંતોષકારક ન હોવાનું FDAએ જણાવ્યું હતું. 31 જુલાઈ સુધીમાં 165 લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા આ ખામીઓને પગલે Food Safety and Standards Act, 2006ની કલમ 32(3) હેઠળ સ્ટોરનું ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સુધારાત્મક કાર્યવાહી અને આગળની સૂચના ન મળે ત્યાં સુધી અહીં ફૂડ બિઝનેસ કામગીરી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી મહારાષ્ટ્ર FDAના વ્યાપક ફૂડ સેફ્ટી અભિયાનનો ભાગ છે. 25 મે થી 31 જુલાઈ દરમિયાન મુંબઈમાં 3,137 હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાદ્ય સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. તેમાં 764 ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી અને 165 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પણ વાંચો : FSSAIના નવા નિયમો લાગુ, પાન મસાલાના પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધ
Read full article on Sandesh