environment
Anand News : કેમિકલ ગેસ લીકેજના કારણે પક્ષીઓ મૃત હાલતમાં મળ્યા; ખેડૂતોનો પાક બળીને ખાખ
આણંદ જિલ્લાના ખંભાત તાલુકા હેઠળ આવતા વત્રા–વટાદરા રોડ પર આવેલી બિડ સીમ વિસ્તારમાં ઝેરી ગેસ લીકેજ થવાના કારણે ભારે અફરાતફરી મચી ગઈ છે. આ વાયુ પ્રદૂષણની ઘાતક અસરને કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત, આસપાસના ખેતરોમાં વાવેલો 30 વીઘાથી પણ વધુ ડાંગરનો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હોવાનો સ્થાનિક ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો છે. ખારાવાલા કેમિકલ કંપની પર ખેડૂતોના આક્ષેપો સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કલમસર ખાતે આવેલી ખારાવાલા કેમિકલ કંપનીમાંથી નિકળેલા ઝેરી અને ઘાતક વાયુના કારણે જ આ મોટી હોનારત સર્જાઈ છે. કંપનીમાંથી છોડવામાં આવેલા ઝેરી ગેસની સીધી અસર સીમ વિસ્તારમાં થતાં એકસાથે અનેક પક્ષીઓએ જીવ ગુમાવ્યા છે અને ખેડૂતોનો તૈયાર થવા આવેલો પાક નાશ પામ્યો છે, જેને પગલે પશુપંખી પ્રેમીઓ અને ખેડૂત આલમમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર પાસે તાત્કાલિક તપાસ અને વળતરની માંગ સિઝનનો પાક બળીને નાશ પામતા ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. આ ગંભીર ઘટનાને પગલે રોષે ભરાયેલા ખેડૂતોએ સરકારી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પાસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરવાની માંગ કરી છે. ગેસ લીકેજ માટે જવાબદાર કંપની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને નુકસાન પામેલા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આ પણ વાંચો : Surendranagar News : શ્રાવણ માસમાં મહિલાઓની અનોખી શિવભક્તિ, દરરોજ બનાવે છે 25 હજાર પાર્થેશ્વર શિવલિંગ
Read full article on Sandesh