crime
છાતીમાં ઘૂસેલી છરી ફેફસાં ચીરી હાર્ટ સુધી પહોંચી:સુરત સિવિલમાં 3 કલાકની જટિલ સર્જરી, તબીબોએ મહારાષ્ટ્રના દર્દીને નવજીવન આપ્યું
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાગામ પાંખરીના 40 વર્ષીય નિતેશ ગાવિતને ઈજાગ્રસ્ત હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. 10 ઓગસ્ટના રોજ છાતીના ડાબા ભાગે ફેફસાં ચીરી છરી હૃદય સુધી પહોંચી જતાં નિતેશને અત્યંત નાજુક હાલતમાં દાખલ કરાયો હતો. નવી સિવિલના તબીબોની ટીમે દેવદૂત બની 3 કલાકની પડકારજનક સર્જરી પાર પાડીને દર્દીનો જીવ બચાવ્યો છે. છરીની અણી હૃદયના મેમ્બ્રેન સુધી પહોંચી હતી સુરત નવી સિવિલ હોસ્પિટલના સર્જન ડો. રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, છરીની ધારદાર અણી દર્દીના ફેફસાંમાં કટ પાડી હૃદયના ઉપરના આવરણ (મેમ્બ્રેન)ની સાવ નજીક પહોંચી ગઈ હતી. છાતીના અંદરના ભાગમાં ભારે લોહી વહેવાને કારણે દર્દીનો જીવ અત્યંત જોખમમાં હતો. 10 ઓગસ્ટની સાંજે દર્દીને કેઝ્યુઅલિટી વિભાગના રેસિડેન્ટ ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપી ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કર્યા હતા. ડોક્ટરોએ જામેલું લોહી દૂર કરી ફેફસાંના કટ પર ટાંકા લીધા એસોસિયેટ પ્રોફેસર ડો. દેવેન્દ્ર ચૌધરી, સર્જન ડો. રોહન ગુપ્તા તથા સિનિયર રેસિડેન્ટ ડો. પાર્થ પટેલે દર્દીની સર્જરી હાથ ધરી હતી. ડોક્ટરોએ સાવચેતીપૂર્વક છરી બહાર કાઢી હતી તેમજ અંદર જામેલું લોહી દૂર કરી ફેફસાંના ટાંકા દીધા હતા. 3 કલાકની ભારે જહેમત બાદ સર્જરી સફળ રહી હતી. ઓપરેશન બાદ સ્થિતિ નોર્મલ થતાં તેને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં પરિવારજનોએ ડોક્ટરોનો આભાર માન્યો હતો.
Read full article on Divya Bhaskar