business
2018થી પડતર રહેણાંક પ્લોટનો 2 દિવસમાં ઉકેલ:અંકલેશ્વરના 174 ઉદ્યોગકારો સહિત GIDCના 260 કર્મચારીઓને પ્લોટ ફાળવાયા
અંકલેશ્વર GIDCના ઉદ્યોગકારો અને કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષ 2018થી પડતર રહેણાંક પ્લોટની ફાળવણીનો પ્રશ્ન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અંકલેશ્વર મુલાકાત બાદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો છે. GIDC દ્વારા પારદર્શક ઓનલાઇન ડ્રો મારફતે અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી વસાહતના કુલ 174 પાત્ર ઉદ્યોગકારોને રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા છે. સાથે જ GIDCના 260 અધિકારી-કર્મચારીઓને પણ પાત્રતા મુજબ રહેણાંક પ્લોટ ફાળવાયા છે. 17 ઓગસ્ટે રજૂઆત, 19મીએ ઓનલાઇન ડ્રો ઉદ્યોગકારો દ્વારા રહેણાંક પ્લોટ માટે વર્ષ 2018માં ઓનલાઇન અરજીઓ કરવામાં આવી હતી. લાંબા સમયથી આ અરજીઓ નિર્ણય માટે પડતર હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 17 ઓગસ્ટે અંકલેશ્વર વસાહતની મુલાકાત લીધી હતી ત્યારે વસાહત મંડળ દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને ગંભીરતાથી લઈને તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ માત્ર બે દિવસમાં, 19 ઓગસ્ટે ઉદ્યોગકારોના પ્રતિનિધિઓની હાજરીમાં ઓનલાઇન ડ્રો યોજીને ફાળવણી કરવામાં આવી હતી. 125થી 200 ચો.મી. સુધીના પ્લોટ GIDCની નીતિ અને પાત્રતા મુજબ અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી વસાહતના 174 ઉદ્યોગકારોને તેમની શ્રેણી પ્રમાણે 125, 150 અને 200 ચોરસ મીટરના રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત લાંબા સમયથી રહેણાંક પ્લોટની રાહ જોઈ રહેલા GIDCના પાત્ર અધિકારી-કર્મચારીઓને પણ નિયમ મુજબ પ્લોટ ફાળવણી કરવામાં આવી છે. 400 હેક્ટરમાં રેસિડેન્શિયલ ઝોન તૈયાર અંકલેશ્વર ખાતે GIDC દ્વારા આશરે 400 હેક્ટર વિસ્તારમાં રેસિડેન્શિયલ ઝોન વિકસાવવામાં આવ્યો છે. અહીં પીવાનું શુદ્ધ પાણી, ગુણવત્તાયુક્ત રસ્તા, સ્ટ્રીટ લાઇટ, વરસાદી પાણીના નિકાલ માટેની ગટર અને સીવેજ ગટર સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વર્ષોથી પડતર રહેલી માંગણીનો ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ આવતાં અંકલેશ્વરના ઉદ્યોગકારો તથા GIDC પરિવારના અધિકારી-કર્મચારીઓમાં સંતોષ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે.
Read full article on Divya Bhaskar