crime
નવસારીમાં દમણગંગા પાઇપલાઇમાંથી 200 ફૂટ ફુવારા ઊડ્યા:ટેસ્ટિંગમાં ભંગાણ થતાં વડપાડામાં ઘરને નુકસાન, કામગીરી પર સવાલ
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં દમણગંગા પીવાના પાણીની યોજનાની પાઇપલાઇનમાં ટેસ્ટિંગ દરમિયાન ભંગાણ સર્જાયું છે. વડપાડા ગામના ચાર રસ્તા નજીક મુખ્ય પાઇપલાઇન ધમાકા સાથે ફાટતાં 200 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊડ્યા હતા, જેના કારણે આસપાસનો વિસ્તાર જળબંબાકાર બન્યો હતો. મળતી માહિતી મુજબ, દમણગંગા પાણી પુરવઠા યોજનાને કાર્યરત કરતા પહેલાં તંત્ર દ્વારા પાઇપલાઇનમાં પાણી છોડીને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન વડપાડા ચાર રસ્તા પાસે અચાનક ભારે દબાણને કારણે પાઇપલાઇન તૂટી પડી હતી. પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં અતિશય પ્રેશર સાથે ઊડેલા પાણીના ફુવારાને કારણે નજીકમાં આવેલા એક રહેણાંક ઘરને પણ નુકસાન થયું છે. ટેસ્ટિંગના પ્રથમ તબક્કે જ પાઇપ ફાટતાં તંત્રની કામગીરીની ગુણવત્તા સામે સ્થાનિકોમાં સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી. પાણીનો પુરવઠો પાછળથી બંધ કરાયા બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. જોકે, ટેસ્ટિંગ સમયે જ થયેલા આ ભંગાણને કારણે સરકારી કામગીરીની ગુણવત્તા પર લોકરોષ જોવા મળી રહ્યો છે.
Read full article on Divya Bhaskar