business
વલસાડ જિલ્લામાં ફૂડ વિભાગની તવાઈ યથાવત્:વાપી, સંજાણ, ઉમરગામ અને પારડીમાં હોટલ-રેસ્ટોરન્ટ સહિતની પેઢીઓ સામે નિયમોનો ભંગ બદલ કાર્યવાહી
વલસાડ જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓ સામે તપાસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. નાગરિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વાપી, સંજાણ, ઉમરગામ અને પારડી વિસ્તારમાં હોટલ-રેસ્ટોરન્ટ સહિતની પેઢીઓની તપાસ દરમિયાન નિયમોના પાલનમાં ક્ષતિઓ જણાતા નોટિસ અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંજાણના નામપાડા ખાતે આવેલી બોમ્બે રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન શિડ્યૂલ-4ની કેટલીક જોગવાઈઓનું પાલન થતું હોવાનું જણાયું હતું. જોકે, મેડિકલ અને વોટર રિપોર્ટ અધૂરા હતા. ઉપરાંત, પેસ્ટ કંટ્રોલ કરાવવામાં આવ્યું ન હતું અને ખુલ્લા કિચનમાં જીવજંતુઓના પ્રવેશને રોકવા માટે જાળી પણ લગાવવામાં આવી ન હતી. આથી, આ પેઢીને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. સંજાણ-ઉમરગામ રોડ પરની બોમ્બે કેટરસ હેન્ડ રેસ્ટોરન્ટ પાસે જરૂરી લાઇસન્સ કે નોંધણી ન હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ પરથી એન્ફોર્સમેન્ટ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને રોજકામ કરાયું હતું. અહીં શિડ્યૂલ-4 અને સ્વચ્છતાના નિયમોનું પણ પાલન થતું ન હતું. તપાસ બાદ સંચાલકે સ્વેચ્છાએ પેઢી બંધ કરી દીધી હતી. લાઇસન્સ વિના ધંધો કરવા બદલ કમ્પાઉન્ડિંગ ઓફેન્સ હેઠળ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાશે. ઉમરગામની ખાના ખજાના રેસ્ટોરન્ટમાં શિડ્યૂલ-4 અને સ્વચ્છતાનું પાલન થતું હતું, પરંતુ મેડિકલ અને વોટર રિપોર્ટ અધૂરા મળતાં તેને પણ ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, વાપીની બી.કે. ફૂડ (વોક ઓન ફાયર), હોટલ કેસરી, સંજાણની સનસાઈન ફેમિલી રેસ્ટોરન્ટ અને પારડીની હોટલ શ્રીનાથ એન્ડ ગેસ્ટ હાઉસમાં તપાસ દરમિયાન શિડ્યૂલ-4 તથા સ્વચ્છતાની જોગવાઈઓનું પાલન થતું હોવાનું જણાયું હતું. સમવીર હોસ્પિટલ એલએલપી અને હોટલ એપીકલ સહિત અન્ય કેટલીક પેઢીઓની પણ તપાસ કરવામાં આવી હતી. ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર આશિષ વલવીએ જણાવ્યું હતું કે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓની તપાસની કામગીરી હજુ ચાલુ છે. નિયમોનું પાલન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar