top
Vadodara ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીમાંથી કુખ્યાત 'રોહિત ગોદારા ગેંગ'ના સાગરીતની કરી ધરપકડ
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક સનસનાટીભર્યા ઓપરેશનમાં કુખ્યાત 'રોહિત ગોદારા ગેંગ'ના સક્રિય સાગરીત કુલદીપ સ્વામીની ધરપકડ કરી છે. મૂળ રાજસ્થાનના રહેવાસી કુલદીપ સ્વામીએ વડોદરાના એક અગ્રણી વેપારી પાસે રૂ.10 કરોડની અતિભારે ખંડણીની માંગણી કરી હતી. મોટો વિવાદ અને ધમકીઓ બાદ આખરે રૂ.10 લાખ હવાલા મારફતે ચૂકવવાનું નક્કી થયું હતું અને વેપારીને નાણાં આપવા માટે દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો. દિલ્હી સ્પેશિયલ સેલની મદદથી છટકું ગોઠવી ધરપકડ વેપારીની ફરિયાદ બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને એક વિશેષ ટીમ દિલ્હી મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની મદદ લઈને ચાંદની ચોક વિસ્તારમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વ્યૂહાત્મક છટકું ગોઠવ્યું હતું. હવાલાની રકમ લેવા માટે આવેલા આરોપી કુલદીપ સ્વામીને ટીમે કોર્ડન કરીને સ્થળ પરથી જ દબોચી લીધો હતો. આરોપી પાસેથી રૂ.4 કરોડનું હેરોઈન જપ્ત આરોપી કુલદીપ સ્વામીની ધરપકડ બાદ તેની તલાશી લેતાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી હતી. આરોપી પાસેથી અંદાજે રૂ.4 કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું 2 કિલો હેરોઈન નામનું માદક દ્રવ્ય મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ખંડણી અને નાર્કોટિક્સ સહિતના ગંભીર ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીને રિમાન્ડ પર લેવા અને ગેંગના અન્ય સાગરીતો સુધી પહોંચવા માટે વધુ તપાસ તેજ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh