crime
Vadodara: ચર્ચિત તમન્ના સૈયદ અને તેના પતિની ધરપકડ: વ્યાજખોરી અને ધમકીનો આરોપ
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અને પોલીસ તંત્ર સામે આક્ષેપબાજી કરીને ચર્ચામાં રહેલી તમન્ના સૈયદ આખરે પોલીસ પકડમાં આવી છે. વડોદરા પોલીસે તમન્ના સૈયદ અને તેના પતિ સોહેલ સૈયદની વ્યાજખોરી અને મારી નાખવાની ધમકી આપવાના ગંભીર ગુનામાં ધરપકડ કરી છે. આ કાર્યવાહી બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આરીફ નામના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી મળતી માહિતી મુજબ, આ મામલે આરીફ નામના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તમન્ના સૈયદ અને તેનો પતિ સોહેલ તેમની પાસેથી વ્યાજખોરી કરતા હતા અને સતત મારી નાખવાની ધમકીઓ આપીને માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં, તમન્ના સૈયદ પર ગંભીર આરોપ છે કે તે ફરિયાદીને ડ્રગ્સ વેચતો હોવાનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરતી હતી. પોલીસ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠાવતી હતી નોંધનીય છે કે તમન્ના સૈયદ શહેરમાં દારૂ અને ડ્રગ્સના વેચાણ અંગે પોલીસ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠાવતી હતી અને વીડિયો વાયરલ કરી પોલીસ પર આક્ષેપો કરતી હતી. હવે જ્યારે તે પોતે જ કાયદાના સકંજામાં આવી છે ત્યારે લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે. જે.પી. રોડ પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ આ સંવેદનશીલ કેસની વધુ તપાસ જે.પી. રોડ પોલીસે ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે, જેથી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે અને સત્ય બહાર આવી શકે. આ પણ વાંચો : Sandesh Digital Explainer : 12 ઓગસ્ટે આકાશમાં શું થશે? સોશિયલ મીડિયામાં ચાલતી વાતો ખરેખર સાચી છે ? જાણો રસપ્રદ વાતો
Read full article on Sandesh