top
Vadodara: 125 શિવભક્ત કાવડિયાનું ચાંદોદથી વડોદરા મોટનાથ મહાદેવ ખાતે પ્રસ્થાન
હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનું આગમન થઈ રહ્યું છે. ત્યારે શિવભક્તિનો માહોલ જામ્યો છે. આ પવિત્ર મહિનામાં કાવડયાત્રાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. આ પરંપરાના ભાગરૂપે વડોદરા શહેર અને જિલ્લામાંથી વિવિધ કાવડયાત્રીઓના સંઘ પવિત્ર લોકમાતા નર્મદા નદીના જળ લેવા માટે દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઊમટી રહ્યાં છે. વડોદરામાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા શિવભક્તોના એક સમૂહ દ્વારા સતત 19માં વર્ષે ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરાયું છે. મૂળ રાજસ્થાન અને હરિયાણાના વતની અને વર્ષોથી વડોદરામાં સ્થાયી થયેલા આ શિવભક્તો 2008થી સતત આ ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યાં છે. આ ટ્રાન્સપોર્ટ એસોસિએશન માત્ર વ્યવસાયમાં જ નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિમાં પણ હંમેશા અગ્રેસર રહે છે. શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ આસ્થા અને ઉત્સાહ સાથે 125 જેટલા કાવડયાત્રીઓ ચાંદોદ ખાતે આવી પહોંચ્યા હતા. આજે વહેલી સવારે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે યાત્રીઓએ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. ત્યારબાદ વિધિવત પૂજન-અર્ચન કરી નર્મદાજીને શ્રીફ્ળ અર્પણ કરાયું હતું. પૂજ્ય ભાવ સાથે નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરીને આ શિવભક્તો ચાંદોદથી વડોદરા હરણી સ્થિત મોટનાથ મહાદેવ સુધી જવા માટે પગપાળા પ્રસ્થાન કર્યું હતું. કાવડયાત્રાના આયોજક મદનલાલ શર્માના જણાવ્યા અનુસાર, આ કાવડયાત્રા આજે રાત્રે ડભોઇ ખાતે વિસામો કરશે. ત્યારબાદ સોમવારે રાત્રે આ સંઘ વડોદરા પહોંચશે. આગામી મંગળવાર, તા. 11 ઓગસ્ટના રોજ શ્રાવણ માસની શિવરાત્રીના પવિત્ર દિને આ તમામ કાવડયાત્રી હરણી સ્થિત મોટનાથ મહાદેવને નર્મદાજીના પવિત્ર જળથી જળાભિષેક કરી ભગવાન શિવજીને પ્રાર્થના કરી જગતના કલ્યાણની કામના કરશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh