politics
તાપીમાં GIDC પ્રોજેક્ટ સામે ગ્રામજનોનો વિરોધ:PESA એક્ટ ભંગના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામમાં પ્રસ્તાવિત GIDC પ્રોજેક્ટ સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. વડપાડા નેસુ ખાતેની સરકારી પડતર જમીન પર આ પ્રોજેક્ટનું આયોજન છે. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે વહીવટીતંત્ર દ્વારા ગ્રામસભાની મંજૂરી વિના જ આ જમીન ફાળવી દેવામાં આવી છે. તેમના મતે, આ પંચાયત (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તાર) અધિનિયમ (PESA Act) અને બંધારણીય જોગવાઈઓનું સીધું ઉલ્લંઘન છે. PESA એક્ટની કલમ ૪(d) અને ૪(m)(iii) હેઠળ અનુસૂચિત વિસ્તારોમાં જમીનના વ્યવસ્થાપન અને રક્ષણનો સર્વોચ્ચ અધિકાર સ્થાનિક ગ્રામસભા પાસે છે. આવેદનપત્રમાં સ્પષ્ટ કરાયું છે કે કોઈપણ ઔદ્યોગિક પ્રોજેક્ટ કે બાંધકામ માટે ગ્રામસભાની પૂર્વ સંમતિ અનિવાર્ય છે. ગ્રામજનોએ સુપ્રીમ કોર્ટના 'નિયમગિરી' કેસના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં ગ્રામસભાની પરવાનગીને ફરજિયાત ગણાવવામાં આવી હતી. ગ્રામજનોની ગંભીર ચિંતા એ છે કે પ્રસ્તાવિત પ્રોજેક્ટ સ્થળની આસપાસ 'પીએમ શ્રી કન્યા સાક્ષરતા સ્કૂલ', 'મોડેલ સ્કૂલ' અને 'આદર્શ નિવાસી શાળા' જેવી શાળાઓ આવેલી છે. તેમની દલીલ છે કે શાળાઓની આટલી નજીક ઔદ્યોગિક એકમ આવવાથી પ્રદૂષણ, ધૂળ અને ઝેરી વાયુઓ બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર નકારાત્મક અસર કરશે. ગ્રામજનોએ RTE એક્ટની કલમ ૨૮(૨)(g) નો પણ ઉલ્લેખ કર્યો છે, જે હેઠળ દરેક બાળકને ભયમુક્ત વાતાવરણમાં શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આ ઉપરાંત, ભારે વાહનોની અવરજવરથી અકસ્માતનો ખતરો પણ વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ગ્રામજનોએ પ્રોજેક્ટથી થનારી ૧૦ જેટલી ગંભીર સમસ્યાઓની યાદી આપી છે. આમાં ખેતીની જમીન ઘટવી, ભૂગર્ભ જળનું પ્રદૂષણ, ખેડૂતોની આવકમાં ઘટાડો અને સ્થાનિક સામાજિક માળખા પર દબાણનો સમાવેશ થાય છે. તેમની દલીલ છે કે આ પ્રોજેક્ટથી પર્યાવરણ અને સ્થાનિક આજીવિકા પર સંકટ ઊભું થશે.ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટીતંત્ર દ્વારા આ મંજૂરી સત્વરે રદ કરવામાં નહીં આવે, તો તેઓ PESA એક્ટ હેઠળ મળેલા અધિકારોનો ઉપયોગ કરીને ઉગ્ર આંદોલન કરશે. જરૂર પડ્યે, તેઓ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) તથા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) પણ દાખલ કરશે. આ વિવાદિત પ્રોજેક્ટ અંગે વહીવટીતંત્ર શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.
Read full article on Divya Bhaskar