top
તાપીમાં 3700થી વધુ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ:વ્યારામાં ‘સમરસ વિદ્યાસેતુ’ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન, સરકારી યોજનાની ટેલિફિલ્મ બતાવાઈ
તાપી જિલ્લામાં 3700થી વધુ ડ્રોપ-આઉટ બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. વ્યારા સ્થિત કે. કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે ‘સમરસ વિદ્યાસેતુ અભિયાન’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલ તથા રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત બાળકોને પુનઃ શાળા પ્રવેશ અપાયો છે. તેમણે ઉમેર્યું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી અભિયાન’ના કારણે ગુજરાતમાં ડ્રોપ-આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મંત્રી પટેલે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શિક્ષણ વિભાગ, વહીવટી તંત્ર અને સમાજના સંયુક્ત પ્રયાસોથી શિક્ષણ વ્યવસ્થા વધુ મજબૂત બની છે. સરકાર આજની પેઢીને શિક્ષિત કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામ ગામીતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષણ માત્ર રોજગાર મેળવવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસ અને 'વિકસિત ભારત'ના નિર્માણ માટે આવશ્યક છે. કાર્યક્રમ દરમિયાન, 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણના અધિકાર તેમજ નમો સરસ્વતી, નમો લક્ષ્મી, પોષણ અને યુનિફોર્મ સહાય જેવી સરકારી યોજનાઓ વિશે ટેલિફિલ્મ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ શિક્ષણના વિકાસ માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર બાળકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમ તાપી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. જેમાં ધારાસભ્ય મોહન ઢોડિયા, મોહન કોંકણી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વર્ષાબેન વસાવા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar