health
સ્વાઈન ફ્લૂના કેસમાં સતત ઉછાળો:સગર્ભા અને યુવક બાદ હવે લવારપુરના 77 વર્ષીય વૃદ્ધ સંક્રમિત, આજે રિપોર્ટ પોઝિટીવ આવતા હોસ્પિટલમાં દાખલ
ગાંધીનગર શહેરમાં રોગચાળાની વણસેલી પરિસ્થિતિ વચ્ચે સ્વાઈન ફ્લૂના કેસોમાં સતત થઈ રહેલા વધારાને પગલે આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. અગાઉ 30 અઠવાડિયાનો ગર્ભ ધરાવતી 27 વર્ષીય સગર્ભા મહિલા અને અજમેરથી પ્રવાસ કરીને પરત ફરેલા 33 વર્ષીય યુવકનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે વધુ 1 દર્દી આ ઝેરી વાયરસની ઝપેટમાં આવી ગયો છે. ગાંધીનગર નજીક આવેલા લવારપુર ગામના 77 વર્ષીય વૃદ્ધમાં સ્વાઈન ફ્લૂના લક્ષણો જણાતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. 5 દિવસથી તાવ-શરદીની તકલીફ બાદ સેમ્પલ ટેસ્ટ કરાયો આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, લવારપુર ગામના 77 વર્ષીય વૃદ્ધ છેલ્લા પાંચેક દિવસથી સતત શરદી, ઉધરસ અને તીવ્ર તાવ જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. સ્થાનિક સ્તરે પ્રાથમિક તબીબી સારવાર આપવા છતાં તેમની તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા ન મળતાં પરિજનોની ચિંતામાં વધારો થયો હતો. જેથી 29 ઓગસ્ટના રોજ તેમને વધુ તબીબી તપાસ માટે ખસેડવામાં આવ્યા હતા અને સેક્ટર 16 સ્થિત સરકારી લેબોરેટરીમાં તેમના સેમ્પલ મોકલી સ્વાઈન ફ્લૂની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. લેબ રિપોર્ટ પોઝિટિવ આવતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ લેબોરેટરીમાંથી આવેલા સત્તાવાર રિપોર્ટમાં વૃદ્ધ દર્દી સ્વાઈન ફ્લૂથી સંક્રમિત હોવાનું નિદાન થતાં જ આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શનમાં આવી ગયું હતું. દર્દીની 77 વર્ષની મોટી ઉંમર અને તેમની નાજુક શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને તાબડતોબ 'ઘ-1.5' સર્કલ પાસે આવેલી એક અદ્યતન ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્ય પર ચોવીસે કલાક સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. એક પછી એક કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ અને તંત્રની સાવચેતીની અપીલ ઉલ્લેખનીય છે કે, અગાઉ 30 અઠવાડિયાનો ગર્ભ ધરાવતી 27 વર્ષીય સગર્ભા મહિલા અને અજમેરથી યાત્રા કરીને આવેલા 33 વર્ષીય યુવાન બંને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ જણાતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી. હવે વધુ 1 સિનિયર સિટીઝન દર્દી પોઝિટિવ આવતાં સ્થાનિક નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સ કામગીરી વધુ તેજ કરવામાં આવી છે તેમજ સામાન્ય લોકોને શરદી-ખાંસી કે તાવના લક્ષણો જણાય તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને યોગ્ય તકેદારી રાખવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar