education
સુરતમાં કડક સુરક્ષા વચ્ચે TAT-S મુખ્ય પરીક્ષા યોજાઈ:84 બિલ્ડિંગમાં 13 હજારથી વધુ ઉમેદવારોએ એકઝામ આપી,'અમે મહિનાઓથી તનતોડ મહેનત કરી'
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત માધ્યમિક શિક્ષક અભિયોગ્યતા કસોટી (TAT-S) મુખ્ય પરીક્ષા-2026નું આજે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. સુરત જિલ્લામાં આજે યોજાયેલી શિક્ષક અભિયોગ્યતા કસોટી (TAT-S) મુખ્ય પરીક્ષા-2026 બંને સેશનમાં શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થઈ છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 15,958 ઉમેદવારોમાંથી પ્રથમ સત્રમાં લેવાયેલા પેપર-1 માં 14,903 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 1,055 ઉમેદવારો ગેરહાજર નોંધાયા હતા. આમ, પેપર-1 માં 93.39 ટકા જેટલી ઊંચી હાજરી જોવા મળી હતી. જ્યારે બપોર પછીના બીજા સત્રમાં લેવાયેલા પેપર-2 માં કુલ 14,890 પરીક્ષાર્થીઓએ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી અને 1,068 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા, જેથી પેપર-2 ની હાજરીની ટકાવારી 93.31 ટકા રહી હતી. આમ, સુરત જિલ્લામાં ભારે ઉત્સાહ વચ્ચે 93 ટકાથી વધુ સરેરાશ હાજરી સાથે TAT-S મેન્સ પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ પરીક્ષા બે મહત્વના સેશનમાં યોજાઈ હતી, જેમાં પેપર-1 સવારે 10:30થી બપોરે 01:00 વાગ્યા સુધી અને પેપર-2 બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી લેવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તમામ 84 બિલ્ડિંગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. કેન્દ્રોની આસપાસ શાંતિ જળવાય તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડી દેખરેખ વધુ કડક બનાવાઈ હતી. 'અમે મહિનાઓથી તનતોડ મહેનત કરી' પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા ઉમેદવારોમાં એક તરફ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો બીજી તરફ ગેરરીતિ અંગે ચિંતા પણ વ્યક્ત થઈ હતી. પરીક્ષાર્થી રીતાબેને જણાવ્યું હતું કે, અમે મહિનાઓથી તનતોડ મહેનત કરી છે અને ધાર્યા મુજબનું પેપર પૂછાય તેવી અપેક્ષા છે. અગાઉ પેપર ફૂટવાની ઘટનાઓ બની છે, પરંતુ આ વખતે કોઈ પણ ગેરરીતિ વિના શાંતિપૂર્ણ રીતે પરીક્ષા સંપન્ન થાય તે જ અમારી માગણી છે. ભાવી શિક્ષકો પ્રિલિમ્સ પાસ કરીને મેન્સ સુધી પહોંચ્યા પરીક્ષાર્થી કાચારિયા અનસુયાબેને જણાવ્યું હતું કે, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ, જે આજની જેન-ઝેડ અને આલ્ફા પેઢી છે, તેમને શિક્ષણ આપવા માટે ભાવી શિક્ષકો પ્રિલિમ્સ પાસ કરીને મેન્સ સુધી પહોંચ્યા છે. ભૂતકાળની ગેરરીતિઓમાંથી બોધપાઠ લઈને સરકાર હવે સચેત બની હશે તેવી આશા છે. ઉમેદવારોની આકરી મહેનત એળે ન જાય, પરિણામો પારદર્શક રીતે જાહેર થાય અને કોઈ પણ ભ્રષ્ટાચાર વગર તમામને ન્યાય મળે તેવી અમારી અપેક્ષા છે.
Read full article on Divya Bhaskar