education
સરકારી શાળામાં મળશે પ્રાઇવેટ જેવી સુવિધા:સરથાણામાં ₹6.59 કરોડના ખર્ચે બનશે AI-સાયન્સ લેબવાળી સુમન સ્કૂલ, આરોગ્ય મંત્રીની કામગીરી સમયસર પૂર્ણ કરવા તાકીદ
સુરત શહેરમાં શૈક્ષણિક માળખાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના ભાગરૂપે સરથાણા વિસ્તારમાં નિર્માણ પામી રહેલા સુમન સ્કૂલના નવા ભવનની રાજ્યના આરોગ્ય મંત્રી તેમજ કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, પ્રગતિ અને બાંધકામની ગુણવત્તાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું તેમજ સ્થળ પર હાજર ઇજનેરો અને અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. 4,560 ચો.મી. વિશાળ પ્લોટમાં શૈક્ષણિક સંકુલનું નિર્માણ સરથાણા વિસ્તારમાં TP-85, FP-119 ખાતે આશરે 4,560 ચોરસ મીટર જેટલા વિશાળ પ્લોટમાં આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. અંદાજે ₹6.59 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ શાળા તમામ પ્રકારની આધુનિક ભૌતિક સુવિધાઓથી સજ્જ હશે. સંકુલમાં વિદ્યાર્થીઓ માટે કુલ 18 વિશાળ વર્ગખંડો તૈયાર કરવામાં આવી રહ્યા છે. વહીવટી સરળતા માટે બે પ્રિન્સિપાલ રૂમ, બે સ્ટાફ રૂમ તેમજ બે કાર્યાલય કક્ષોની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. અત્યાધુનિક સાયન્સ લેબ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ વિદ્યાર્થીઓને 21મી સદીના પ્રવાહ સાથે જોડવા અને ટેક્નોલોજી આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી શાળામાં ખાસ સુવિધાઓ ઊભી કરાઈ રહી છે. જેમાં અદ્યતન કમ્પ્યુટર રૂમ, અત્યાધુનિક સાયન્સ લેબ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેબનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બાળકોના સર્વાંગી વિકાસ માટે મલ્ટી-એક્ટિવિટી રૂમ પણ તૈયાર કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ પ્રાયોગિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે. અધિકારીઓને પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના સ્થળ નિરીક્ષણ દરમિયાન આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે શાળાનું નિર્માણ વિદ્યાર્થીઓના સર્વાંગી હિતને કેન્દ્રમાં રાખીને થઈ રહ્યું છે, જેથી બાંધકામની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થવી જોઈએ. તેમણે અધિકારીઓને પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ મુલાકાત પ્રસંગે સંબંધિત અધિકારીઓ, ઇજનેરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar