top
SPU સંસ્કૃત વિભાગે મ્યુઝિયમની શૈક્ષણિક મુલાકાત લીધી:વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને વારસા પ્રત્યે જાગૃતિ કેળવાઈ
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા ૧૮ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ મ્યુઝિયમની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, વારસો, કલા અને ઐતિહાસિક જ્ઞાન પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. મુલાકાતની શરૂઆતમાં, મ્યુઝિયમ વિભાગના ક્યુરેટર અમોલ મોહિતે પીપીટી દ્વારા મ્યુઝિયમની સંકલ્પના અને તેના મહત્વ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને સરદાર વલ્લભભાઈ પટેલના ફોટોગ્રાફ્સ, રવિશંકર રાવળના પેઇન્ટિંગ્સ અને સંતોકબાના મહાભારત આધારિત ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા. પ્રાગૈતિહાસિક વિભાગમાં ડાયનાસોરના અવશેષો, જીઓલોજિક અને આર્કિયોલોજિક અવશેષો તેમજ સિંધુ સભ્યતાના વિવિધ તબક્કાના અવશેષો વિશે જાણકારી આપવામાં આવી. એશિયાઈ કલા વિભાગમાં શિવ, બૌદ્ધ અને વૈષ્ણવ સંપ્રદાયના ચિત્રો, વિવિધ પુરાતન શસ્ત્રો, બ્યુટી કલ્ચરના અવશેષો, સુશોભનના અવશેષો અને પ્રાચીન સિક્કાઓ પ્રદર્શિત કરાયા હતા. મ્યુઝિયમમાં ૨૪,૦૦૦ જેટલી હસ્તપ્રતો પણ ઉપલબ્ધ છે, જેની માહિતી અપાઈ. આ ઉપરાંત, મ્યુઝિયમ વિભાગ દ્વારા દર વર્ષે યોજાતા વિવિધ કાર્યક્રમોની માહિતી પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ભારતના અજંતા, ઈલોરા, સૂર્ય મંદિર કોણાર્ક, રાણકી વાવ અને અડાલજ વાવ જેવા હેરિટેજ સ્થળો તેમજ ભારતીય દ્રશ્ય કલા વિશેના ડોક્યુમેન્ટરી દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રદર્શનોનું અવલોકન કરી મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. આ શૈક્ષણિક પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને સંશોધનાત્મક દૃષ્ટિકોણનો વિકાસ થયો. સમગ્ર કાર્યક્રમનું આયોજન વિભાગના કાર્યકારી અધ્યક્ષ મહેન્દ્ર નાયીના માર્ગદર્શન હેઠળ થયું હતું. વિભાગના અધ્યાપક ડૉ. પ્રિયંક રાવલ, શ્રેયા પરમાર અને દેવાંશી ભિન્ડેએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.
Read full article on Divya Bhaskar