crime
સોનગઢમાં 64 લાખથી વધુના ગાંજાનો જથ્થો ઝડપાયો:3 શખ્સો પકડાયા, 2 વોન્ટેડ જાહેર
તાપી જિલ્લાના સોનગઢ પોલીસે નશીલા પદાર્થોના વેપાર સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. સુરત-ધુલીયા નેશનલ હાઈવે નંબર 53 પરથી રૂ. 64.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 85.890 કિલો ગાંજાનો જથ્થો પણ સામેલ છે. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. સોનગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.વી. ઢોલા અને તેમની ટીમે બે મહિનાની સતત વોચ બાદ આ સફળતા મેળવી. ચોક્કસ બાતમીના આધારે, સોનગઢના નવા આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે ટ્રક નંબર GJ-05-BZ-3268 ને અટકાવવામાં આવી હતી. ટ્રકની કેબિનમાંથી વગર પાસ-પરમિટના ખાખી સેલોટેપ મારેલા પાર્સલ મળી આવ્યા હતા, જેમાં રૂ. 42,94,500 ની કિંમતનો 85.890 કિલો ગાંજો હતો. પોલીસે ટ્રક ચાલક સોહિલ ચિરાકોદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો. ગાંજાની હેરાફેરી માટે પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર (GJ-30-A-2646) માં સવાર સોયેફ ચિરાકોદ્દીન શેખ અને જાફરખાન જલીલખાન મણીયારની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગાંજા ઉપરાંત ટ્રક, સ્વિફ્ટ કાર, મોબાઈલ ફોન અને ટ્રકમાં ભરેલ 30 ટન કોલસો સહિત કુલ રૂ. 64,36,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં અકિલ નાસીરખાન પઠાણ (રહે. સુરત) અને આદિલ સોહેલ શેખ (રહે. બલેશ્વર) ની મુખ્ય ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર કેસની વધુ તપાસ પી.એસ.આઈ. અજીત સી. ચૌધરી ચલાવી રહ્યા છે.
Read full article on Divya Bhaskar