top
સોમનાથમાં ભક્તોનો ઘસારો વધતા STએ દોડાવી વધારાની બસો:18 ઓગસ્ટથી 245 ટ્રીપ દોડાવી, 9 હજારથી વધુ યાત્રાળુઓને સુવિધા મળી, 8 લાખથી વધુની આવક થઈ
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને કારણે સોમનાથ યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા છે. આ ભીડને પહોંચી વળવા વેરાવળ ST ડેપો દ્વારા અલગ અલગ રૂટ પર વધારાની બસો ચલાવવામાં આવી રહી છે. શ્રાવણ મહિના દરમિયાન સોમનાથમાં ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને તહેવારોના દિવસોમાં યાત્રાળુઓની ભીડ વધતા બસોમાં પણ ભારે ગિરદી જોવા મળે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ST વિભાગે સોમનાથ-દ્વારકા અને સોમનાથ-જૂનાગઢ જેવા મુખ્ય રૂટ પર વધારાની ટ્રીપો શરૂ કરી છે. વેરાવળ ST ડેપોએ 18 ઓગસ્ટથી અત્યાર સુધીમાં લગભગ 245 વધારાની ટ્રીપો ચલાવી છે. આ વધારાની બસોને કારણે 9 હજારથી વધુ મુસાફરોને આવવા-જવાની સુવિધા મળી છે. આ ઉપરાંત, વધારાની ટ્રીપોથી વેરાવળ ST ડેપોને 8 લાખ રૂપિયાથી વધુની આવક પણ થઈ છે. હાલમાં અલગ અલગ એક્સપ્રેસ રૂટ પર મુસાફરોની ભારે ભીડ છે અને લગભગ 100 ટકા બુકિંગ થઈ રહ્યું છે. યાત્રાળુઓને લાંબા સમય સુધી બસની રાહ ન જોવી પડે અને તેઓ સરળતાથી પોતાના સ્થળે પહોંચી શકે તે માટે ST તંત્ર જરૂરિયાત મુજબ વધારાની ટ્રીપો ચલાવી રહ્યું છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારને કારણે સોમનાથમાં ભક્તોની ભીડ વધુ વધવાની શક્યતા છે. આવા સમયે વેરાવળ ST ડેપો દ્વારા વધારાની બસો ચલાવવાનો નિર્ણય યાત્રાળુઓ માટે રાહતરૂપ બન્યો છે. તહેવારો દરમિયાન યાત્રાળુઓની સંખ્યા અને રૂટ પરની માંગને જોઈને હજુ પણ જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. વેરાવળ GSRTC ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું કે, યાત્રાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને ST વિભાગ સતત નજર રાખી રહ્યું છે. મુસાફરોની જરૂરિયાત મુજબ વધારાની બસો ચલાવવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar