politics
સંજાણમાં ‘હર ઘર તિરંગા’ યાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા:ધારાસભ્ય રમણલાલ પાટકરની આગેવાનીમાં દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું
ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમણલાલ પાટકરની આગેવાનીમાં આ 3 કિલોમીટર લાંબી યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રામાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ભાજપના કાર્યકરો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સહભાગીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવતા આગળ વધ્યા હતા, જેનાથી સંજાણનો સમગ્ર વિસ્તાર દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યો હતો. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો. આ ઉપરાંત, રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશ પ્રત્યેની જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને યુવાનોને દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. યાત્રા દરમિયાન ‘નશામુક્ત યુવા, જાગૃત સમાજ’નો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને કારણે સંજાણમાં આ તિરંગા યાત્રા દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિક બની રહી હતી.
Read full article on Divya Bhaskar