top
સગીરાએ કૂદકો મારતા જ પોલીસે હાથ પકડી લીધો, VIDEO:માતા સાથે ઝઘડો થતા 14 વર્ષીય કિશોરી ધાબા પર આત્મહત્યા કરવા પહોંચી, સુરત પોલીસનું દિલધડક રેસ્ક્યૂ
સુરતના ગોડાદરામાં રહેતી 14 વર્ષીય કિશોરી ધાબા પરથી આત્મહત્યા કરે તે પહેલા જ પોલીસે પહોંચી બચાવી લીધી. સામાન્ય બાબતમાં માતાએ ઠપકો આપતા કિશોરી ઘરના ધાબા પર પહોંચી ગઈ અને સીડી કેબીનનો દરવાજો બંધ કરી દીધો. માતાએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કિશોરી સાથે વાતચીત ચાલુ રાખી. આ સમયે જ એક પોલીસકર્મી બાજુના ઘરની અગાશીમાંથી દીવાલ ટપી કિશોરી નજીક પહોંચી ગયો. જો કે, પોલીસને જોતા જ કિશોરીએ દીવાલ પરથી કૂદકો મારવાનો પ્રયાસ કર્યો. જોકે, પોલીસકર્મીએ સમયસૂચકતા વાપરી કિશોરીને હાથ પકડી લીધો આ સમયે જ અન્ય પોલીસકર્મીઓ પણ આવી જતા તમામે ભેગા મળી બચાવી લીધી. 14 વર્ષીય કિશોરીના દિલધડક રેસ્ક્યૂની 3 તસવીર દિલધડક રેસ્ક્યૂ કરનાર પોલીસકર્મીએ ભાસ્કરને શબ્દશઃ ઘટના વર્ણવી સુરતના ગોડાદરામાં સગીરાનું રેસ્ક્યૂ ટીમમાં સામેલ પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઈએ શનિવારે રાત્રે બનેલી ઘટના શબ્દશઃ વર્ણવી. ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું કે, રાત્રે 23:40 કલાકે પોલીસને કંટ્રોલમાંથી કોલ મળ્યો હતો કે માતા અને 14 વર્ષની સગીર પુત્રી વચ્ચે સામાન્ય બોલાચાલી અને ઝઘડો થયો હતો.જેમાં માતાના બોલવાથી માઠું લાગી આવતાં છોકરી ધાબા ઉપર જઈને દરવાજો બંધ કરી કૂદી જવાની વાત કરી રહી છે.અભ્યાસ કરતી આ છોકરી ભણવામાં નબળી હોવાથી માતા તેને સમજાવતી, જેના કારણે તે અવારનવાર હાઇપર થઈ જતી અને ઘરમાં તોડફોડ કરતી. તે લગભગ દોઢ કલાકથી ચાલુ વરસાદમાં ધાબા પર ઊભી હતી. કોલ મળતાં જ PCR વાનમાં ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ મીરાબેન,હું અને ડ્રાઇવર સાથે માત્ર ત્રણથી ચાર મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા. ધાબાનો દરવાજો જાડા લોખંડ અને ફાઇબરના પતરાવાળો હતો અને છોકરીએ સામેથી જોરથી ધક્કો મારી રાખ્યો હતો, જેના કારણે અંદર હાથ નાખવા જતાં મારા હાથ પર પણ ઇજા પહોંચી.પરિસ્થિતિ પામી જઈને મીરાબેને છોકરીને વાતોમાં પરોવી રાખી, જ્યારે હું બાજુના મકાનની છત અને બારી વાટે ધાબા પર પહોંચ્યા. દરમિયાન મીરાબેને દરવાજો ખોલતાં જ છોકરીએ ધાબાની પાળી પરથી નીચે કૂદવાનો પ્રયાસ કર્યો અને તે લગભગ કૂદી જ ગઈ હતી, પરંતુ મેં અને મીરાબેને બંને તરફથી તેના હાથ પકડી લીધા અને ખેંચીને સુરક્ષિત અગાશીની અંદર તરફ લઈ લીધી. દિલધડક રેસ્ક્યૂ બાદ સગીરા અને માતાનું કાઉન્સલિંગ કરાયું રાત્રિના સમયે સગીરાને બચાવી લીધા બાદ ગોડાદરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જ્યાં માતા-પુત્રી બંને વચ્ચે યોગ્ય સમજાવટ અને જરૂરી કાઉન્સેલિંગ કરાવી સગીરાને સહીસલામત તેના પરિવારજનોને સોંપવામાં આવી. રાત્રિના સમયે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાળકીનો જીવ બચાવનાર PCR-83ની ટીમના જવાનોની સરાહનીય કામગીરીને સ્થાનિક રહીશો અને પરિવારે બિરદાવી આભાર વ્યક્ત કર્યો. આ સમાચાર પણ વાંચોઃ મહિલાના ગળામાં ફંદો હતો'ને પોલીસ દરવાજો તોડી રૂમમાં પ્રવેશી, VIDEO સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મહિલા માનસિક તણાવમાં આવી આપઘાતનો પ્રયાસ કરતી હોવાની પોલીસ કંટ્રોલ રૂમને જાણ થઈ. પોલીસકર્મીઓએ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી. રૂમનો દરવાજો બંધ હોય તોડીને પ્રવેશ કર્યો અને ગળામાં ફંદો નાખી આપઘાતનો પ્રયાસ કરી રહેલી મહિલાનો પકડીને નીચે ઉતારી. પોલીસકર્મીઓએ તાત્કાલીક મહિલાને CPR (cardiopulmonary resuscitation) આપી જીવ બચાવ્યો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read full article on Divya Bhaskar