SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે અસર
SBI BSBD Account New Rules: જો તમારું બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં છે, તો આ સમાચાર તમારે ચોક્કસ વાંચવા જોઈએ. 1 ઓક્ટોબરથી બેંકના અમુક નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. SBI એ પોતાના ટ્રાન્ઝેક્શન (લેવડદેવડ) અને ચાર્જિસના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ખાસ કરીને જે ગ્રાહકો પાસે 'બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ' (BSBD) એકાઉન્ટ છે, તેમના માટે ATM થી રોકડ ઉપાડવા અને ડિજિટલ પેમેન્ટ કરવાના નિયમો 1 ઓક્ટોબરથી બદલાઈ જશે.
હવે લાગશે 15 રૂપિયા અને GST નો ચાર્જ
નવા નિયમ મુજબ, SBI એ BSBD ખાતામાંથી થતા વ્યવહારો અંગેના નિયમો કડક કર્યા છે. બેંક હવે મહિનામાં માત્ર પહેલા 4 વ્યવહારો (રોકડ ઉપાડ કે ટ્રાન્ઝેક્શન) જ મફત આપશે. જો તમે મહિનામાં 4 વખતથી વધુ વ્યવહાર કરશો, તો 5મા ટ્રાન્ઝેક્શનથી તમારે દરેક લેવડદેવડ પર 15 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. એટલું જ નહીં, આ 15 રૂપિયાના ચાર્જ પર તમારે અલગથી GST પણ આપવો પડશે.
કેશ, ATM અને UPI બધું જ આ 4 ટ્રાન્ઝેક્શનમાં સામેલ
અગાઉ એવો નિયમ હતો કે BSBD ખાતાધારકો ડિજિટલ વ્યવહારો (જેમ કે UPI પેમેન્ટ) કરતા હતા, તો તેને આ 4 મફત ઉપાડની મર્યાદામાં ગણવામાં આવતા નહોતા. પરંતુ હવે SBI એ આ છૂટછાટ પાછી ખેંચી લીધી છે. નવા નિયમ પ્રમાણે, તમે ATM માંથી પૈસા ઉપાડો, બેંકની શાખામાંથી રોકડ કાઢો કે પછી UPI દ્વારા કોઈને ડિજિટલ પેમેન્ટ કરો - આ બધું જ પેલા 4 ફ્રી ટ્રાન્ઝેક્શનમાં જ ગણવામાં આવશે. 4 વખતની મર્યાદા પૂરી થયા પછીના કોઈપણ વ્યવહાર પર 15 રૂપિયા વત્તા GST ચાર્જ લાગશે.
આખરે આ BSBD ખાતું છે શું?
'બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ' (BSBD) એ બેંકના નિયમિત સેવિંગ્સ એકાઉન્ટ કરતા સાવ અલગ હોય છે. આ ખાતું ખાસ કરીને ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકો માટે બનાવવામાં આવ્યું છે જેથી તેઓ બેંકિંગ સિસ્ટમ સાથે સરળતાથી જોડાઈ શકે.
આ ખાતાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ 'મિનિમમ બેલેન્સ' રાખવાની ઝંઝટ હોતી નથી. એટલે કે ખાતામાં શૂન્ય બેલેન્સ હોય તો પણ કોઈ ચાર્જ કે પેનલ્ટી લાગતી નથી. આ ખાતામાં ચેકબુક આપવામાં આવતી નથી, પરંતુ ગ્રાહકોને એક બેઝિક ATM કાર્ડ બિલકુલ મફત આપવામાં આવે છે. આ ઉપરાંત, કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા ચેક જમા કરાવવા પર પણ બેંક કોઈ ફી લેતી નથી. જો કોઈ કારણસર ખાતું બંધ થઈ ગયું હોય, તો તેને ફરીથી શરૂ કરાવવા માટે પણ કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી.
આ પણ વાંચોઃ SBI કે PNB: 2 વર્ષની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લેટેસ્ટ વ્યાજ દરો
એકથી વધુ એકાઉન્ટ રાખી શકાતા નથી
નિયમ મુજબ, કોઈપણ વ્યક્તિ એકથી વધુ BSBD ખાતા ખોલાવી શકતી નથી. જો કોઈ ગ્રાહકે ભૂલથી બે અલગ-અલગ બેંકોમાં આવા ખાતા ખોલાવ્યા હોય, તો પણ તેણે 30 દિવસની અંદર પોતાનું એક ખાતું ફરજિયાતપણે બંધ કરાવવું પડે છે.
આ પણ વાંચોઃ SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ