business
₹ 22000 કરોડની લોન સામે સુભાષ ચંદ્રા માત્ર ₹ 6.5 કરોડ ચૂકવશે, લોન વસૂલાત મામલે NCLTનો સીમાચિહ્ન આદેશ
Subhash Chandra NCLT Case : બેંક અને ફાઈનાન્સ કંપનીઓ સામાન્ય વ્યક્તિ લોનનો એક EMI હપતો ન ચૂકવે તો મોટી પેનલ્ટી ફટકારે છે. જ્યારે મોટા ઉદ્યોગપતિ અને કંપનીઓ પાસેથી બાકી લોનની વસૂલાતમાં રહેમ નજર રાખી કરોડો રૂપિયા જતા રહે છે. તાજેતરમાં ઝી ગ્રૂપના પ્રમોટર સુભાષ ચંદ્રા સામે ₹ 22000 કરોડથી વધુના બાકી લેણામાં લેણદારો 99.97 ટકા રકમ જતી કરવા તૈયાર થયા છે. ચાલો જાણો શું છે સમગ્ર મામલો નાદારી કેસ ઝી ગ્રુપના સ્થાપક સુભાષ ચંદ્રા સામેની વ્યક્તિગત નાદારી કાર્યવાહીમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના તાજેતરના આદેશથી એક અણધાર્યું પરિણામ આવ્યું છે. અધધધ... ₹ 22,006.57 કરોડ સામે લેણદારોને માત્ર ₹ 6.5 કરોડ મળશે. જે કુલ બાકી લેણાના માત્ર 0.03 ટકા રકમ છે. જેના કારણે લેણદારોને 99.97 ટકા રકમ જતી કરવી પડશે. 25 ઓગસ્ટના આદેશમાં વ્યક્તિગત નાદારીના માળખા અને લેણદારોને લગભગ રિકવરી સ્વીકારવા માટે કેટલી હદ સુધી ફરજ પાડી શકાય તે અંગે મૂળભૂત પ્રશ્નો ઉભા થાય છે. ₹ 22,006.57 કરોડના બાકી લેણાના સ્વીકારાયેલા દાવા સામે સુભાષ ચંદ્રાની મંજૂર પુનઃ ચુકવણી યોજનામાં ફક્ત ₹ 6.5 કરોડની જોગવાઈ છે. એટલે કે લેણદારોને ₹ 22,000 કરોડ જેટલી માતબાર રકમ જતી કરવી પડશે. એક બેંકિંગ સૂત્રએ જણાવ્યું હતું કે, લેણદારોને વ્યવહારીક રીતે અત્યંત ઓછી રકમ પરત મળશે.” આટલી મોટી રકમની લોન માફી ભારતના નાદારી વ્યવસ્થામાં એક અસામાન્ય અને પડકારજનક કેસ બનાવે છે. મુખ્ય પ્રશ્ન ફક્ત એ નથી કે લેણદારોએ રિપેમેન્ટ પ્લાનને મંજૂરી શા માટે મંજૂરી આપી, પરંતુ જ્યારે દેવાની રકમ હજારો કરોડ હોય ત્યારે આટલી મોટી વસૂલાતને વાજબી ઠેરવી શકાય કે નહીં. વ્યક્તિગત નાદારી આ કાર્યવાહી એસ્સેલ ગ્રૂપ સાથે જોડાયેલી કંપનીઓના આપેલી લોન માટે સુભાષ ચંદ્રા દ્વારા આપવામાં આવેલી પર્સનલ ગેરંટીઓ સાથે સંબંધિત છે. જ્યારે કોઇ કંપનીના પ્રમોટર કોર્પોરેટ લોન માટે પર્સનલ ગેરંટી આપે છે, જો કંપની લોન ચૂકવણી ન કરે, તો તેવી સ્થિતિમાં બેંક કે લેણદારો લાગુ કાયદાકીય પ્રક્રિયા હેઠળ લોન માટે ગેરંટી આપનાર પાસેથી દેવાની વસૂલાત કરી શકે છે. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા કરાયેલી અરજી બાદ 2024માં સુભાષ ચંદ્રા સામે નાદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેથી, આ કેસ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝિસથી અલગ છે. તે કોર્પોરેટ ડેટના બદલે સુભાષ ચંદ્રા દ્વારા અપાયેલી પર્સનલ ગેરંટી સાથે જોડાયેલો છે. તેને એસ્સેલ ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓને લગતી અલગ કોર્પોરેટ નાદારી કાર્યવાહી અથવા ઝી એન્ટરટેઈનમેન્ટ અને તેના અધિકારીઓને લગતી નિયમનકારી કાર્યવાહી સાથે જોડી શકાય નહીં. 25 ઓગસ્ટનો આદેશ કોઈ સીધા, સર્વસંમતિથી લેવાયેલા નિર્ણયનું પરિણામ નહોતું. બે સભ્યોની NCLT ખંડપીઠનો આ રિપેમેન્ટ પ્લાન વિશે અલગ અલગ મત હતો. આ મતભેદ દૂર કરવા માટે NCLT ના ન્યાયિક સભ્ય નીલેશ શર્માને ત્રીજા સભ્ય તરીકે સુનવણી કરવી પડી હતી. તેમણે છેલ્લે રિપેમેન્ટ પ્લાનને મંજૂરી આપવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. NCLT એ કેસની નાણાકીય સ્થિતિને જોતા માન્યું કે ₹ 6.5 કરોડની આ રિકવરી પણ નાદારી પ્રક્રિયામાં જવા કરતા સારી છે. જો આગળની પ્રક્રિયામાં લેણદારોને તેનાથી પણ ઓછી વસૂલાત થવાની સંભાવના છે, તો ₹ 6.5 કરોડ સ્વીકારવા સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. લેણદારોના વાંધા લેણદારોનો મુખ્ય વાંધો અત્યંત ઓછી રકમ અને સુભાષ ચંદ્રની આર્થિક સ્થિતિ હતી. તેમણે સવાલ કર્યો કે શું સુભાષ ચંદ્રાની સંપત્તિ અને નાણાકીય વ્યવહારોની પૂરતી તપાસ કરવામાં આવી છે. તેમણે એમ પણ પૂછ્યું હતું કે શું આ કેસમાં ફોરેન્સિક તપાસ થવી જોઈતી હતી. જો કે, ટ્રિબ્યુનલે કહ્યું હતું કે રિપેમેન્ટ પ્લાનને મંજૂરી આપવા માટે ફોરેન્સિક તપાસ જરૂરી શરત નથી. NCLT એ એમ પણ કહ્યું હતું કે આ કિસ્સામાં લેણદારોનો વ્યવસાયિક નિર્ણય મહત્વપૂર્ણ છે. જો લેણદારોએ નાદારી સંહિતા (IBC) હેઠળ નિર્ધારિત પ્રક્રિયા મુજબ રિપેમેન્ટ પ્લાનની તરફેણમાં મત આપ્યો હોય, તો ટ્રિબ્યુનલ સામાન્ય રીતે તેમના નિર્ણયને બદલતો નથી. આ રિપેમેન્ટ પ્લાનને લેણદારો તરફથી જરૂરી સહમતિ પણ મળી હતી. રિપોર્ટ અનુસાર, લગભગ 80.81% મતો રિપેમેન્ટ પ્લાનની તરફેણમાં હતા. એકવાર લેણદાર જરૂરી બહુમતીથી યોજનાને મંજૂરી આપે અને ટ્રિબ્યુનલ તેને મંજૂરી આપે પછી, લેણદારને માત્ર મતભેદના આધારે પ્રક્રિયામાંથી પાછા હટીને પોતાની પસંદગી મુજબ બીજી રકમ માંગવાનો અધિકાર નથી. ધિરાણકર્તાઓ માટે બોધ પાઠ આ કેસ કંપનીના પ્રમોટરોને આપવામાં આવેલી લોન વિશે એક કડવી વાસ્તવિકતા રજૂ કરે છે. કોઈ બેંક કોઇ કંપનીના પ્રમોટર સામે હજારો કરોડ રૂપિયાનો દાવો કરી શકે છે, પરંતુ જો તે લોનના બદલામાં ગીરવે મૂકેલી સંપત્તિ અને જામીનગીરી માંથી બાકી રકમ વસૂલવાનું શક્ય ન હોય, તો બેંકને લગભગ કંઇ પાછું મળશે નહીં. પ્રમોટરની પર્સનલ ગેરંટી બેંકની સ્થિતિને મજબૂત બનાવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે બેંકને પૈસા મળશે. ગેરંટીનું વાસ્તવિક મૂલ્ય તેના પર નિર્ભર છે કે જામીનગીરી આપનાર પાસે કાયદેસર રીતે કેટલી મિલકત ઉપલબ્ધ છે અને નાદારીની પ્રક્રિયામાં તેની પાસેથી કેટલા પૈસા વસૂલ કરી શકાય છે. તેથી આ મામલો બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે ચેતવણી સમાન છે. માત્ર પ્રમોટરે ગેરંટી આપી છે કે નહીં તે જોવું પૂરતું નથી, પરંતુ તે જામીગીરીનું વાસ્તવિક મૂલ્ય કેટલું છે તે પણ જોવું આવશ્યક છે. આ આદેશનો અર્થ એ નથી કે સુભાષ ચંદ્રાને તમામ કાનૂની અથવા નિયમનકારી બાબતોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ આદેશમાં ઝી એન્ટરટેઇનમેન્ટ અથવા અન્ય એસ્સેલ ગ્રુપ કંપનીઓને લગતી અલગ અલગ બાબતો પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ કેસ ઝી એન્ટરટેઇનમેન્ટ અને પુનીત ગોએન્કા વિરુદ્ધ સેબી દ્વારા ચાલી રહેલી કાર્યવાહીથી પણ અલગ છે. જો કે, આ નિર્ણય લેણદારો માટે એક મોટું નુકસાન છે. તેમને હજારો કરોડ રૂપિયાની વસૂલાતની આશા હતી તેની સરખામણીમાં તેમને ખૂબ જ ઓછી રકમ મળવાની છે. આ કેસ નાદારી સિસ્ટમ માટે એક મોટું સત્ય પણ દર્શાવે છે - બેંક પર બાકી રહેલા નાણાંની રકમ અને તે વાસ્તવિક રિકવરી કરી શકાય તેવી રકમ વચ્ચે મોટો તફાવત હોઈ શકે છે. આ કેસ એક મોટો સવાલ પણ ઉભો કરે છે: જ્યારે 22,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું માત્ર 6.5 કરોડ રૂપિયામાં પતાવટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે શું નાદારી સિસ્ટમ ખરેખર દેવાનો ઉકેલ લાવી રહી છે? અથવા તે ફક્ત લેણદારોના જંગી નુકસાન પર કાયદાકીય મંજૂરી આપી રહ્યું છે?
Read full article on The Indian Express