top
રાજ્યમાં વરસાદ ખેંચાતાં સરકાર એક્શન મોડમાં:કૃષિમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક, 7 જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરવા વિચારણા
રાજ્યમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે, જેને પગલે રાજ્ય સરકાર પણ તાત્કાલિક હરકતમાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની વિકટ સમસ્યા નિવારવા તેમજ ધરતીપુત્રોને સંકટમાંથી ઉગારવા કૃષિમંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વન મંત્રી અર્જુન મોઢવાડિયા, મંત્રી પ્રવીણ માળી અને મંત્રી ઋષિકેશ પટેલ સહિત કૃષિ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભારતીય કિસાન સંઘના અગ્રણી પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 1 મહિનાથી વરસાદની ઘટ રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 1 મહિનાથી નહિવત્ વરસાદ નોંધાયો હોવાથી ખરીફ પાક સૂકાવાની અણી પર પહોંચી ગયો છે. બેઠક દરમિયાન વરસાદની ઘટથી પ્રભાવિત વિસ્તારોની વાસ્તવિક સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને સિંચાઈ માટે નહેરો અને જળાશયોમાંથી વધારાનું પાણી છોડવા, વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા અને ખેતીના પાકને થતા વ્યાપક નુકસાનને અટકાવવા માટેના સંભવિત ઈમરજન્સી પગલાંઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છના 7 થી વધુ જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની શક્યતા વરસાદની વર્તમાન પરિસ્થિતિ અને ખેતી પર થયેલી વિપરીત અસરોને ધ્યાનમાં રાખીને સરકાર કેટલાક વિસ્તારોને સત્તાવાર રીતે અછતગ્રસ્ત જાહેર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. હાલમાં અમરેલી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ તેમજ રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. સંબંધિત વિભાગો પાસેથી ઉપલબ્ધ આંકડાકીય વિગતો અને પરિસ્થિતિના મૂલ્યાંકન બાદ આ વિસ્તારો માટે ટૂંક સમયમાં મોટો નીતિવિષયક નિર્ણય લેવાઈ શકે છે. પશુપાલકોની ચિંતા અને કિસાન સંઘ સાથે સીધો સંવાદ વરસાદની ખેંચ હજુ વધુ લંબાય તો ખેડૂતો ઉપરાંત માલધારીઓ માટે ઘાસચારાની અછત તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનું મોટું સંકટ સર્જાઈ શકે છે. પરિણામે, સરકાર દ્વારા કૃષિ, વન અને જળસંપત્તિ વિભાગ પાસેથી સંયુક્ત ડેટા મંગાવવામાં આવ્યો છે. કિસાન સંઘના પ્રતિનિધિઓએ બેઠકમાં પ્રત્યક્ષ હાજરી આપીને ધરતીપુત્રોની ગ્રાઉન્ડ રિયાલિટી, મુશ્કેલીઓ અને વળતર અંગેની પાયાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી. વિધાનસભા સત્ર પૂર્વે સરકારની કવાયત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રારંભે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા દુષ્કાળ અને ખેડૂતોની સમસ્યાઓને લઈને સરકારને ઘેરવાની રણનીતિ ઘડાઈ રહી છે, ત્યારે વિપક્ષના આક્રમક વલણ પૂર્વે જ સરકારે સ્થિતિ થાળે પાડવા આગોતરું આયોજન હાથ ધર્યું છે. સત્રમાં પ્રશ્નોત્તરી કે હોબાળો થાય તે પહેલાં જ સરકાર અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી જરૂરી રાહત જાહેર કરવાની દિશામાં આગળ વધી રહી છે, જેને લઈને હવે કયા તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર થાય છે અને શું રાહત મળે છે તેના પર સમગ્ર રાજ્યના ખેડૂતોની મીટ મંડાયેલી છે.
Read full article on Divya Bhaskar