top
રાજકોટમાં વૃદ્ધ સાથે રૂ.15 લાખની ઠગાઈ:બેલા લીઝના નકલી કાગળો વોટ્સએપ પર મોકલી 50 ટકા ભાગીદારી અને સારા વળતરની લાલચ આપી
રાજકોટના નિવૃત્ત સરકારી કર્મચારીને પથ્થરની ખાણની લીઝમાં 50% ભાગીદારી અને સારા વળતરની લાલચ આપી રૂ.15 લાખ પડાવી લીધાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે. પથ્થરના બેલાની લીઝ ભાડે રાખવાની યોજના જણાવી શહેરના રૈયા રોડ પર અમૃતા હોસ્પિટલ પાછળ શિવમ પાર્કમાં રહેતા 63 વર્ષીય ચન્દ્રસિંહ ચૂડાસમાએ થાનગઢના ખાખરાથળ ગામના 39 વર્ષીય શૈલેષ રવજી ધિથાડ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે, મે 2024 દરમિયાન આરોપી શૈલેષે ફરિયાદીનો સંપર્ક કરી પથ્થરના બેલાની લીઝ ભાડે રાખવાની યોજના જણાવી હતી. આ યોજનાને સત્તાવાર અને આકર્ષક દર્શાવવા માટે આરોપીએ વોટ્સએપ પર લીઝ સબંધી કાગળો મોકલ્યા હતા, તેમજ ઘટના સ્થળ બતાવીને વિશ્વાસ સંપાદિત કર્યો હતો. ધંધામાં 50% નફાની ભાગીદારી આપવાની ખાતરી આપી આરોપીએ નવી મશીનરી ખરીદવાના બહાને નાણાં રોકવા જણાવ્યું હતું. મોજશોખ અને અંગત વપરાશમાં રૂપિયા વાપરી નાખ્યા ફરિયાદીએ આરોપીની વાતો પર ભરોસો મૂકીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા થાનગઢ શાખાના એકાઉન્ટમાં કટકે કટકે કુલ રૂપિયા 15 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે લાંબો સમય વીતવા છતાં ધંધાકીય કામગીરી શરૂ ન થતાં ફરિયાદીએ તપાસ કરી હતી. જેમાં આરોપીએ કોઈપણ પ્રકારની લીઝ ભાડે લીધી ન હોવાનું તેમજ મશીનરીની ખરીદી ન કરી અને રૂપિયા કોઈ ધંધાકીય હેતુમાં રોકવાને બદલે પોતાના અંગત મોજશોખ અને અંગત વપરાશ માટે વાપરી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ચન્દ્રસિંહે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar