top
પરિણીતા પર પતિ સહિત સાસરિયાએ શારિરીક ત્રાસ ગુજાર્યો:બીજી પત્ની લાવવાનું કહી પિયરમાં મૂકી આવ્યો, છૂટાછેડા માટે દબાણ કર્યું
પાટણ તાલુકાના રૂની ગામની એક પરિણીતાને સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોવાનો આરોપ લગાવાયો છે. લગ્ન બાદ તેને પિયર મૂકી આવ્યા પછી તેડી ન જઈ છૂટાછેડા લેવા દબાણ કરાયું હતું. આ મામલે પાટણ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયા પક્ષના પાંચ સભ્યો સામે ગુનો નોંધાયો છે. રૂની ગામની યુવતીના લગ્ન 11 ફેબ્રુઆરી 2023ના રોજ પાલનપુરના કનૈયાકુમાર માધવલાલ સાધુ સાથે થયા હતા. લગ્નના બીજા જ દિવસથી સાસરિયા પક્ષે ઘૂંઘટ ઓઢવા જેવી બાબતોને લઈને મેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું. પતિ કનૈયાકુમારે લગ્ન પોતાની મરજીથી ન થયા હોવાનું કહી પત્નીને વારંવાર માનસિક ત્રાસ આપ્યો. સાસુ, સસરા, નણંદ અને દિયર ભેગા મળી તેમને પિયર મૂકી આવવા અને પતિના બીજા લગ્ન કરાવી આપવા માટે ચઢામણી કરતા હતા. થોડા સમય પછી, પતિ ફરવા જવાના બહાને પત્નીને તેમના પિયર મૂકી આવ્યો. ત્યારથી તે તેમને પાછા લઈ ગયો નહોતો. પરિણીતા અને તેમના પરિવારજનોએ સાસરિયા પક્ષનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. સામાજિક સમાધાનના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા. આખરે, 6 જુલાઈ 2023 થી 10 સપ્ટેમ્બર 2026 દરમિયાન પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી છૂટાછેડા આપવા દબાણ કરાયું હતું. આથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાટણ મહિલા પોલીસે પતિ કનૈયાલાલ માધવલાલ સાધુ, સસરા માધવલાલ ચમનદાસ સાધુ, સાસુ નીતાબેન સાધુ, નણંદ સેજલબેન સાધુ અને દિયર અલ્પેશ સાધુ સામે બી.એન.એસ. કલમ 85 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar