business
PM જનધન યોજનાના 12 વર્ષ પૂર્ણ, દેશમાં 59 કરોડથી વધુ બેન્ક એકાઉન્ટ ખૂલ્યા
દેશના દરેક નાગરિકને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના હેતુથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જનધન યોજના (PM-JDY)એ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. 19 ઓગસ્ટ 2026 સુધીના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 59.09 કરોડ જનધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. આ યોજના દ્વારા બેન્કિંગ સુવિધાથી વંચિત લોકો હવે બચત ઉપરાંત વીમા, પેન્શન અને સરકારી યોજનાઓનો લાભ પણ લઈ રહ્યા છે. યોજનાની શરૂઆત બાદ તેની અસરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2015માં માત્ર એક સપ્તાહમાં 1.8 કરોડથી વધુ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. મહિલાઓની ભાગીદારી વધી 59.09 કરોડ એકાઉન્ટમાંથી 32.92 કરોડ એકાઉન્ટ મહિલાઓના છે. જ્યારે 45.95 કરોડ એકાઉન્ટ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં તથા 13.14 કરોડ એકાઉન્ટ શહેરી વિસ્તારોમાં છે. એકાઉન્ટમાં જમા રકમમાં પણ મોટો વધારો થયો છે. માર્ચ 2015માં ₹15,670 કરોડની સામે હવે આ રકમ વધીને ₹3,16,514 કરોડ થઈ છે. જનધન એકાઉન્ટના ફાયદા જનધન એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવાની ફરજ નથી. ખાતાધારકને RuPay ડેબિટ કાર્ડ મળે છે. ઓગસ્ટ 2018 બાદ ખોલાયેલા એકાઉન્ટ માટે ₹2 લાખ સુધીનું અકસ્માત વીમા કવર ઉપલબ્ધ છે. સંતોષકારક રીતે ખાતું ચલાવ્યા બાદ 6 મહિના પછી પરિવારના એક સભ્યને ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ મળી શકે છે. આ એકાઉન્ટ DBT ઉપરાંત જીવન જ્યોતિ વીમા, સુરક્ષા વીમા, અટલ પેન્શન યોજના અને મુદ્રા લોન જેવી યોજનાઓ સાથે પણ જોડાઈ શકે છે. એકાઉન્ટ કેવી રીતે ખોલવું? કોઈપણ ભારતીય નાગરિક બેન્ક શાખા અથવા બેન્ક મિત્ર પાસે જઈને જનધન એકાઉન્ટ ખોલાવી શકે છે. ઓળખ અને સરનામાના પુરાવા, ફોટો તથા જરૂરી ફોર્મ રજૂ કર્યા બાદ દસ્તાવેજોની ચકાસણી કરીને એકાઉન્ટ શરૂ કરવામાં આવે છે. જનધન એકાઉન્ટમાં જમા રકમ પર સામાન્ય બચત ખાતાની જેમ વ્યાજ પણ મળે છે. આ પણ વાંચો : PM Modi Putin Meeting: SCO સમિટમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે યોજાશે દ્વિપક્ષીય મુલાકાત, MEAએ કરી પુષ્ટિ
Read full article on Sandesh