business
PM મોદીના જન્મદિવસ પહેલા અમરેલીમાં ઉર્જા મંત્રીએ બેઠક યોજી:જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેવા સંકલ્પ અભિયાન માટે હોદ્દેદારોને ખાસ સૂચનાઓ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા હાથ ધરાનારા 'સેવા સંકલ્પ અભિયાન'ની પૂર્વતૈયારીના ભાગરૂપે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી. રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ ફોલોઅપ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓને આગામી કાર્યક્રમો અંગે ખાસ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક મહિના સુધી ચાલશે 'સેવા સંકલ્પ અભિયાન' વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં એક મહિના સુધી 'સેવા સંકલ્પ અભિયાન' ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દરેક વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ, સંગઠનાત્મક કાર્યક્રમો અને જનસંપર્કના વિવિધ કાર્યક્રમો યોજાશે. સમગ્ર અભિયાનના સુચારૂ સંચાલન અને સફળતા માટેની તમામ જવાબદારી ભાજપ સંગઠનને સોંપવામાં આવી છે. તમામ તાલુકા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં યોજાશે કાર્યક્રમો અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પણ સેવા સંગઠન અને જનસંપર્ક સંકલ્પ સાથે કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવશે. જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપરાંત તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી પહોંચવાના હેતુથી આ કાર્યક્રમો યોજાશે. ઉર્જા મંત્રીએ હોદ્દેદારો સાથે કરી વિસ્તૃત ચર્ચા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ તેમજ વિવિધ સેલ અને મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ આગામી સેવા સંકલ્પ અભિયાનના આયોજન, વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અને કાર્યકરોની જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Read full article on Divya Bhaskar