business
પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્રણને પગલે દેશમાં ખાંડની અછત!:ગણદેવી ખાંડ ઉદ્યોગના ચેરમેને કહ્યું- જ્યુસમાંથી ઈથેનોલથી 45 ટન ખાંડનું ઉત્પાદન ઘટ્યું, નવેમ્બરમાં નવી સિઝન
દેશમાં શેરડીના ઉત્પાદનમાં ઘટાડો અને પેટ્રોલ સાથે ઇથેનોલ મિશ્રણની નીતિને કારણે ખાંડની તીવ્ર અછત સર્જાઈ છે. સીધેસીધા શેરડી રસમાંથી ઈથેનોલ બનાવાતાં દેશમાં 45 લાખ ટન ખાંડનું ઉત્પાદન ઘટી ગયું હોવાનો ગણદેવી ખાંડ ઉદ્યોગના ચેરમેને ખુલાસો કર્યો છે. આ અછતને પગલે છૂટક બજારમાં ખાંડના ભાવ પ્રતિ કિલો ₹60થી ₹65 સુધી પહોંચી ગયા છે. વધતા ભાવોને નિયંત્રિત કરવા માટે, ભારત સરકારે 10 લાખ મેટ્રિક ટન રો સુગર ડ્યુટી-ફ્રી આયાત કરવાની તૈયારી શરૂ કરી છે. પેટ્રોલમાં ઈથેનોલ ભેળવાયું ગણદેવી સુગર ફેક્ટરીના ચેરમેન અમિત પટેલે આ અંગે જણાવ્યું હતું કે, સરકારે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનો નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો હતો. ઇથેનોલ બે રીતે બને છે: એક આડપેદાશ એવી મોલાસીસમાંથી અને બીજું સીધા શેરડીના રસમાંથી. ભૂતકાળમાં ખાંડના ભાવ નીચા હતા ત્યારે મોટા પાયે સીધા રસમાંથી ઇથેનોલ બનાવાયું, જેનાથી આશરે 35થી 45 લાખ ટન ખાંડનું ઉત્પાદન ઘટ્યું અને અત્યારે ભાવ ઉછાળો જોવા મળી રહ્યો છે. નવી સિઝન શરૂ થવામાં દોઢ મહિનો લાગશે પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, હવે જ્યારે ખાંડના ભાવ ₹60ને વટાવી ગયા છે ત્યારે સીધા રસમાંથી ઇથેનોલ બનાવવું સુગર મિલોને પરવડશે નહીં. નવી પિલાણ સિઝન ઓક્ટોબરના અંતથી નવેમ્બર સુધીમાં શરૂ થશે. ત્યાં સુધી દેશની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો ખાંડનો જથ્થો ઉપલબ્ધ રહેવાની શક્યતા ઓછી છે, જેને કારણે આગામી તહેવારો દરમિયાન પણ ભાવ ઊંચા રહેવાની શક્યતા નકારી શકાય નહીં. દેશમાં 290 લાખ મેટ્રિક ટન ખાંડની જરૂરિયાત ભારતમાં વાર્ષિક આશરે 290 લાખ મેટ્રિક ટન ખાંડની જરૂરિયાત રહે છે. તેની સામે ચાલુ વર્ષે માત્ર 260 થી 265 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું છે. બદલાતા હવામાન, ખાતરના વધેલા ભાવ અને ખેતમજૂરોની અછતને કારણે છેલ્લા ત્રણ વર્ષથી શેરડીના ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત, પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણના લક્ષ્યાંકને કારણે આશરે 35થી 45 લાખ મેટ્રિક ટન ખાંડ બની શકે તેટલો શેરડીનો રસ સીધો ઇથેનોલ ઉત્પાદનમાં વપરાઈ ગયો છે. આ પરિબળે ખાંડની અછતની સ્થિતિને વધુ ગંભીર બનાવી છે. આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને સરકારે 10 લાખ ટન ખાંડ આયાત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, વૈશ્વિક સ્તરે પણ ખાંડનું ઉત્પાદન ઘટ્યું હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ઊંચા છે. નિષ્ણાતોના મતે, વૈશ્વિક અછત વચ્ચે ભારત પૂરતા પ્રમાણમાં ખાંડ આયાત કરીને ભાવ નિયંત્રણમાં લાવી શકશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.
Read full article on Divya Bhaskar