top
પાટણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની DEOને રજૂઆત:SQAAF અને નિપુણ ગુજરાત સર્વેક્ષણની વિસંગતતાઓ દૂર કરવા, સર્વેક્ષણ માટે દબાણ ન કરવા માંગ
પાટણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા SQAAF અને નિપુણ ગુજરાત અંતર્ગત હાથ ધરાયેલા બેઝ લાઈન સર્વેક્ષણ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. મંડળે રજૂઆત કરી છે કે સ્વનિર્ભર શાળાઓ માટે ઉભી થયેલી વિસંગતતાઓ દૂર ન થાય ત્યાં સુધી સર્વેક્ષણની કામગીરી પૂર્ણ કરવા માટે શાળાઓ પર કોઈપણ પ્રકારનું વહીવટી દબાણ કરવામાં ન આવે. 17 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓનો સમાવેશ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, હાલમાં SQAAF અને નિપુણ ગુજરાત અંતર્ગત ખાનગી શાળાઓમાં બેઝ લાઈન સર્વેક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સર્વેક્ષણમાં ગુજરાત રાજ્યની આશરે 17 હજાર સ્વનિર્ભર શાળાઓ તેમજ તેમાં અભ્યાસ કરતા 50 લાખથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મંડળે આક્ષેપ કર્યો છે કે આટલા મોટા પાયે અસર કરનારા મહત્વપૂર્ણ સર્વેક્ષણ અંગે નિર્ણય લેતી વખતે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાતને વિશ્વાસમાં લેવામાં આવ્યું નથી. અગાઉના પ્રશ્નોનું પણ નિરાકરણ નહીં સંચાલક મંડળના જણાવ્યા પ્રમાણે, સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ અગાઉ સ્વનિર્ભર શાળાઓને લગતા વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, આજદિન સુધી આ પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ આવ્યું નથી. તેના કારણે નવી સર્વેક્ષણ પ્રક્રિયામાં પણ ખાનગી શાળાઓ સામે વ્યવહારિક તેમજ નીતિ વિષયક અનેક વિસંગતતાઓ ઊભી થઈ હોવાનું મંડળે જણાવ્યું છે. રૂબરૂ બેઠક યોજી ઉકેલ લાવવાની માંગ કરાઈ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે માંગ કરી છે કે રાજ્ય સરકાર દ્વારા મંડળના પ્રતિનિધિઓ સાથે રૂબરૂ બેઠક યોજવામાં આવે અને બેઝ લાઈન સર્વેક્ષણ દરમિયાન ઊભી થયેલી તમામ વિસંગતતાઓનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે. જ્યાં સુધી આ મુદ્દાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાજ્યની ખાનગી શાળાઓ પર સર્વેક્ષણની કામગીરી પૂર્ણ કરવા માટે કોઈપણ પ્રકારનું વહીવટી દબાણ ન કરવામાં આવે તેવી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar