top
પાટડીમાં ગૌ હત્યાના વિરોધમાં હિન્દુ સમાજમાં આક્રોશ:હજારો લોકોએ રેલી કાઢી DYSPને આવેદન આપ્યું, કડક સજાની માગ કરાઈ
પાટડીમાં ગૌ હત્યાના વિરોધમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આજે હજારોની સંખ્યામાં લોકોએ રેલી કાઢી પાટડી પ્રાંત કલેકટર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી સજા આપવાની માંગ કરવામાં આવી હતી. પાટડી નગરના તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી આ રેલીમાં ભાગ લીધો હતો. ગત રાત્રિના રોજ પાટડીના પઠાણવાસમાં ગૌ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર દ્વારા ગૌ હત્યાના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પાટડીમાં ગૌ હત્યાના સમાચાર ઝડપથી ફેલાતા હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે પાટડી સહિત તાલુકાના હિન્દુ સમાજના લોકો દરબારી ચોકથી રેલી સ્વરૂપે એકત્ર થયા હતા. તેમણે પ્રાંત અધિકારી અને ડીવાયએસપીને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી અને ગેરકાયદેસર કતલખાના સંપૂર્ણ બંધ કરવાની ઉગ્ર માંગ કરી હતી. આ લેખિત આવેદનપત્રમાં જણાવાયું હતું કે, સનાતન સંસ્કૃતિ અને ભારતીય પરંપરામાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે દેશભરમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે હસ્તાક્ષર અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પાટડી નગરમાં ગેરકાયદેસર રીતે પઠાણવાસમાં ખુલ્લેઆમ કતલખાનું ચલાવવામાં આવી રહ્યું છે. હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે તેવી રીતે ગાયોની કતલ કરવામાં આવી રહી છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે, શ્રાવણ માસ વદ પક્ષ એકાદશી સોમવારના પવિત્ર દિવસે ગૌમાતાની હત્યા કરીને સનાતનીઓની ધાર્મિક લાગણી દુભાવવામાં આવી છે. સમગ્ર હિન્દુ સમાજની માંગ છે કે આવા તત્વો સામે કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને દાખલારૂપ સજા આપવામાં આવે. આ રેલીમાં પીપળી મંદિરના મુખી મહારાજ, સત્યનારાયણ મંદિરના સંતો-મહંતો, દિલીપ પટેલ, પાટડી નગરપાલિકાના પ્રમુખ હિતેશ રાવલ, પૂર્વ પ્રમુખ મૌલેશ પરીખ, મુકેશ દેસાઈ, રશ્મિ રાવલ, રઘુ ખાંભલા, પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલ સોની, તાલુકા ભાજપ પ્રમુખ સુખદેવ ઠાકોર સહિત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આર.એસ.એસ. અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. પાટડી નગરના તમામ વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી રેલીને ટેકો આપ્યો હતો.
Read full article on Divya Bhaskar