education
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં શિક્ષણ સાથે સ્વાસ્થ્ય, જીવદયા અને ગુરુ:વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ, કીડીયારું પૂરવાની સેવા અને શિક્ષકદિનની ઉજવણી
મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ, જીવદયા અને ગુરુજનો પ્રત્યે આદરની ભાવના કેળવવા વિવિધ પ્રેરણાદાયક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ અંતર્ગત નવયુગ કોલેજ ખાતે 10 સપ્ટેમ્બરના રોજ થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયાના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન થયું હતું. લાઈફ બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 400 થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો હતો. નિષ્ણાત ડોકટરોએ વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે જાગૃત કર્યા હતા. પ્રમુખ પી. ડી. કાંજીયાએ યુવાનોને થેલેસેમિયા મુક્ત સમાજ બનાવવા આગળ આવવા અપીલ કરી હતી. જીવદયાના એક ઉદાહરણ રૂપે નવયુગ શૈક્ષણિક સંકુલ (વીરપર) ની ધોરણ 7 ની વિદ્યાર્થિનીઓએ એક ઉમદા કાર્ય કર્યું છે. આ વિદ્યાર્થિનીઓએ ધોરણ 6 માં હતી ત્યારથી સંકુલના મેદાનમાં કીડીયારું પૂરવાની સેવા શરૂ કરી હતી. તેમણે આ સેવાને સળંગ એક વર્ષ સુધી ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે. આ નાનો પ્રયાસ સમાજ માટે મોટી પ્રેરણા પૂરી પાડે છે. આ ઉપરાંત, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગોમાં શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા ભજવી શિક્ષણકાર્યનો અનુભવ મેળવ્યો હતો. તેમણે પોતાના ગુરુજનો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
Read full article on Divya Bhaskar