top
નવસારીના મરોલીમાં ખુલ્લી જીપ પર યુવાનોના જોખમી સ્ટંટ:કાર્ટૂન માસ્ક પહેરી બોનેટ અને છત પર બેસી ડાન્સ કરતો વીડિયો વાયરલ; રીલ્સ બનાવવા કાયદાના ધજાગરા ઉડાડ્યાં;વાહનચાલકો માટે ખતરો ઊભો કર્યો
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામમાં રાત્રિના સમયે યુવાનોની બેફામ સ્ટંટબાજીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખુલ્લી જીપના બોનેટ અને છત પર બેસીને યુવાનોએ જોખમી સ્ટંટ કર્યા હતા, જેનાથી પોતાના જીવની સાથે અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ મોટો ખતરો ઉભો થયો હતો. કાર્ટૂન માસ્ક પહેરી જીપની છત અને બોનેટ પર કર્યો ડાન્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મરોલી વિસ્તારમાં રાત્રિના સમયે યુવાનોએ કાયદાનો ભંગ કરીને રસ્તા પર જોખમી સ્ટંટ કર્યા હતા. ઓળખ છુપાવવા કે સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાના ચસકામાં યુવાનોએ માથા પર ટેડી બિયર અને કાર્ટૂન કેરેક્ટરના માસ્ક પહેર્યા હતા. ચાલુ જીપની છત અને બોનેટ પર બેસીને તેમણે જોખમી રીતે ડાન્સ પણ કર્યો હતો. ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ જાહેર રસ્તાઓ પર આ પ્રકારે બેદરકારીથી વાહન ચલાવવું અને જીપની બહાર લટકીને કે બેસીને સ્ટંટ કરવાથી ગંભીર અકસ્માત થવાની પૂરી શક્યતા રહેલી છે. રાત્રિના સમયે હાઈવે કે ગામના રસ્તાઓ પર આ પ્રકારની બેજવાબદાર પ્રવૃત્તિઓથી સામેથી કે પાછળથી આવતા અન્ય નિર્દોષ વાહનચાલકો માટે પણ જીવનું જોખમ ઊભું થાય છે. કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતા યુવાનો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. અગાઉ પણ જિલ્લામાં આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે નવસારી પોલીસ આ વાયરલ વીડિયોના આધારે સ્ટંટબાજો સામે કેવાં પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
Read full article on Divya Bhaskar