top
નરોડા કોલેજમાં NSS ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો:ગુજરાત યુનિવર્સિટીના કો-ઓર્ડિનેટર પ્રો. નટુભાઈ વર્માએ કહ્યું, 'સેવા દ્વારા વ્યક્તિત્વ અને રાષ્ટ્ર નિર્માણ શક્ય'
શ્રીમતી એ. પી. પટેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી એન. પી. પટેલ કોમર્સ કોલેજ, નરોડામાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના નવા સ્વયંસેવકો માટે 'ઓરિએન્ટેશન કાર્યક્રમ' યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતી સામે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ હતી. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના કો-ઓર્ડિનેટર પ્રો. નટુભાઈ વર્મા મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. મુખ્ય વક્તવ્ય આપતા પ્રો. નટુભાઈ વર્માએ કહ્યું કે, 'રાષ્ટ્રીય સેવા યોજના માત્ર અભ્યાસક્રમનો ભાગ નથી, પરંતુ જીવન જીવવાનો એક મહત્વપૂર્ણ રસ્તો છે. NSS નું સૂત્ર 'નહીં હું, પણ તમે' (Not Me But You) આપણને સ્વાર્થથી ઉપર ઉઠીને બીજાની સેવા કરવા પ્રેરે છે.' તેમણે વધુમાં જણાવ્યું કે ગ્રામીણ શિબિરો, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણની સંભાળ અને સામાજિક જાગૃતિ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રભાવના જેવા ગુણો વિકસે છે. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણના માર્ગે આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન NSS યુનિટ-૧ ના પ્રોગ્રામ ઓફિસર પ્રો. ગોવિંદ ચૌધરી અને યુનિટ-૨ ના પ્રોગ્રામ ઓફિસર પ્રો. ભાવના પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂરો થયો હતો. આ ઓરિએન્ટેશનમાં કોલેજના ૨૦૦ વિદ્યાર્થીઓ, અધ્યાપકગણ અને મોટી સંખ્યામાં નવા જોડાયેલા NSS સ્વયંસેવક ભાઈ-બહેનો ઉત્સાહથી હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar