crime
ગોંડલમાં સિયા જેવો કેસ, ટ્રેન આવી ને પ્રેમીકાને ધક્કો માર્યો:મધરાતે બંને ટ્રેક સુધી પહોંચ્યા કેવી રીતે; કઈ બે નિશાનીથી પોલીસે મર્ડરનો ભેદ ખોલ્યો
પુણેની સિયા ગોયલનો કેસ અજાણ્યો નથી. મંગેતર કેતન અગ્રવાલને મનાવીને લોહગઢ કિલ્લા પર ફરવા લઈ ગઈ. પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને ખીણમાં ધક્કો મારી દીધો. આ કિસ્સાને યાદ અપાવતો કિસ્સો ગોંડલમાં બન્યો. પણ અહીં ચિત્ર ઊલટું છે. લગ્ન કરવાની જીદ્દે ચડેલી મહિલાને ગમે તેમ મનાવીને તેનો પ્રેમી રેલવે ટ્રેક પાસે લઈ ગયો. ટ્રેન નીકળી ને ધક્કો મારી દીધો. આખરે પોલીસે કેવી રીતે શોધી કાઢ્યું કે આ આપઘાત કે અકસ્માત નથી પણ મર્ડર છે. જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં... ગોંડલમાં 44 વર્ષના બહેન રહે. નામ મંજુબેન. તે પતિ, બે દીકરા, બે દીકરી સાથે સુખી સંસાર માણે. આર્થિક સ્થિતિ બહુ સારી નહીં. નાની નાની વાતે ઘરમાં પતિ સાથે ઝઘડા શરૂ થયા. પતિ-પત્ની વચ્ચે તિરાડ પડી ને અલગ થયા. પતિ વિનુભાઈ બારૈયા ગોંડલ છોડીને અલંગમાં મજૂરી કરવા લાગ્યા. ચારેય સંતાન 18થી 25 વર્ષના. બંને દીકરીનાં લગ્ન થઈ ગયા. મોટો દીકરો એક કંપનીમાં કામ કરે ને અલગ રહે. નાનો દીકરો રહેવા ચાલ્યો ગયો બહેન સાથે.. જવાબદારીના બોજા વચ્ચે એકલવાયું જીવન જીવવું મંજુબેન માટે બોજ બની ગયું. બે પૈસા મળે ને મન પરોવાય એટલે કેટરિંગના કામમાં લાગ્યાં. ઘર ચલાવવા માટે કમાણી તો થઈ જાય પણ મનની હૂંફ છીનવાઈ ગઈ હતી. પ્રેમ આપનારું કોઈ ન રહ્યું. મંજુબેન મનથી ભાંગી પડ્યાં. કેટરિંગનું કામ કરતા એક વ્યક્તિએ 24 વર્ષના યુવાન પ્રકાશ સોલંકી સાથે મુલાકાત કરાવી. મુલાકાત તો કેટરિંગના જ કોઈ કામ માટે થઈ હતી પણ પ્રકાશ અને મંજુબેન ધીરેધીરે નજીક આવ્યા. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. મંજુબેનને થયું કે પ્રકાશ તેને હૂંફ આપી શકે તેમ છે. પ્રેમ સંબંધ ત્રણ વર્ષ ચાલ્યો. આ ત્રણ વર્ષમાં મંજુબેને પ્રકાશને ત્રીસવાર કહ્યું હશે કે, તું મારી સાથે લગ્ન કરી લે. પણ પ્રકાશને લગ્ન નહોતા કરવા. તેને મંજુબેનનો સાથ પસંદ હતો. સાથે ફરવા જતા. ઘરે આવજા રહેતી. પણ પ્રકાશ માંડ 24નો ને મંજુબેન તેના કરતાં 20 વર્ષ મોટાં. લગ્નની વાતને લઈને બંને વચ્ચે ઝઘડા શરુ થયા. પ્રકાશ આક્રમક બનીને મંજુબેનને મારી લેતો. પણ મંજુબેન પ્રકાશને છોડી શકે તેમ નહોતાં. અંતે પ્રકાશે નક્કી કર્યું કે લગ્ન માટે મંજુબેનની જીદ્દ, દબાણ હવે સહન નહીં થાય, હવે તેનો રસ્તો કરવો પડશે. પ્રકાશે એવો પ્લાન ઘડ્યો કે મંજુબેન રસ્તામાંથી હટી જાય ને પોતે છટકી જાય. અંતે એ રાત આવી પહોંચી ને પ્રકાશ પોતાના પ્લાનને અંજામ આપવા માટે તૈયાર હતો. ગોંડલમાં હાઈવે પરથી રેલવે ટ્રેક સુધીની સ્ક્રીપ્ટ પ્રકાશના મનમાં તૈયાર હતી. 3 ઓગસ્ટે રાત્રે પ્રકાશે મંજુબેનને ફોન કરીને ડાહી-ડાહી વાતો કરી. અગાઉ એકવાર પ્રકાશ અને મંજુબેન ટ્રેનમાં સાથે જૂનાગઢ ગયા હતા. પ્રકાશે આ જ લાલચ આપી કે, ટ્રેનમાં જૂનાગઢ જઈએ. ત્યાં વાતચીત કરીને સમાધાનથી કોઈ રસ્તો કાઢીશું. મંજુબેન જૂનાગઢ જવા તૈયાર થયાં.રાત્રે 11 વાગ્યા આસપાસ ગોંડલના રેલવે સ્ટેશનથી નજીક આવેલા પેટ્રોલપંપ પાસે મંજુબેનને મળવા બોલાવ્યાં. રાત્રે 11 વાગ્યે પેટ્રોલપંપ પાસે બંને મળ્યાં. ફરી લગ્નની વાત થઈ, ફરી ઝઘડો થયો. પેટ્રોલપંપ પાસે જ પ્રકાશે મંજુબેનને માર મારી લીધો. પછી મનાવીને રેલવે સ્ટેશને લઈ ગયો. રેલવે સ્ટેશને થોડીવાર બેઠાં. રાત્રે પોણાબાર થયા હશે. બંને વચ્ચે ઊંચા અવાજે વાતચીત ચાલુ હતી. રેલવે સ્ટેશને લોકોની અવર જવર હોય ને લોકોનું ધ્યાન જાય. પ્રકાશે મંજુબેનને પ્લેટફોર્મથી દૂર રેલવે ટ્રેક પાસે જઈને વાતચીત કરવાનું કહ્યું. ચાલીને બંને રેલવે ટ્રેક તરફ જવા નીકળ્યાં. દોઢેક કિલોમીટર ચાલ્યા પછી ગુંદાળા ફાટક નજીક અંધકારમાં બંને પાટા પર બેઠાં. ઘેરાં અંધારાં વચ્ચે ટ્રેનના સિગ્નલની લાલ લાઈટ ઝબૂક ઝબૂક થતી હતી. આસપાસ સન્નાટો વધતો ગયો. પ્રકાશે એક જગ્યાએ પાટા પર બેસવાનું કહ્યું. બંને બેઠાં. ત્યાં ફરી લગ્નની વાતચીત શરૂ થઈ. હવે 4 ઓગસ્ટ થઈ ચૂકી હતી. રાત્રે પોણો વાગ્યો હતો. અંધકારમાં પ્રકાશ અને મંજુબેન વચ્ચે દલીલો વધી. પ્રકાશના મનમાં ઝનૂન વધતું જતું હતું. આમ ને આમ સવા વાગી ગયો. બંને જે ટ્રેક પર બેઠાં હતાં ત્યાં દૂર દૂરથી ટ્રેન આવતી દેખાઈ. પ્રકાશે જ ઈશારો કરીને મંજુબેનને ખસી જવા કહ્યું. બંને ઊભા થઈ ગયા. ટ્રેનના પાવાનો અવાજ નજીક આવતો જતો હતો. પૂઉં...સૂડસૂડસૂડ...ફડફડફડ... કરતી ટ્રેન સ્પીડમાં પસાર થઈ.... મંજુબેન કાંઈ વિચારે તે પહેલાં જ પ્રકાશે બધું જોર ભેગું કરીને મંજુબેનને ટ્રેન તરફ ધક્કો માર્યો. પ્રચંડ વેગ સાથે તે કોચ સાથે અથડાયાં ને ફંગોળાઈને દૂર પડ્યાં. બે મિનિટમાં ખેલખતમ કરીને પ્રકાશ અંધકારમાં ઓગળી ગયો. હવે આ આખા ઘટનાક્રમને 6 તસવીરોથી સમજો... પ્રકાશ ઘટનાને અંજામ આપીને ભાગી ગયો. તેને એમ હતું કે હવે બધા સમજશે કે મંજુબેનનું ટ્રેન અડફેટે અકસ્માતમાં મોત થયું. પણ તે જાણતો નહોતો કે કાનૂન કે હાથ લંબે હોતે હૈં... 4 ઓગસ્ટની સવારે કોઈ ત્યાંથી પસાર થયું ને મહિલાની લાશ જોઈ. ખોપડી ફાટી ગઈ હતી. જમણી બાજુના ભાગે વેગથી પછડાટ લાગી હોવાથી ગંભીર ઈજાઓ દેખાતી હતી. જોનારાને થયું કે નક્કી આ બહેને આપઘાત કર્યો છે અથવા પાટા પસાર કરતી વખતે ટ્રેન સાથે અથડાયાં છે. લાશને ગોંડલ સિવિલ હોસ્પિટલે લઈ ગયા. ત્યાંથી પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ ગયા. જ્યાં ઘટના બની તે રાજકોટ રેલવે પોલીસની હદ હતી. રાજકોટ રેલવે પોલીસ ઈન્સપેક્ટર એચ.એમ.રાણાએ તપાસ શરૂ કરી. તેમણે લાશને જોઈ. બે-ત્રણ બાબતો નોંધી. પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટર્સને અમુક બાબતોમાં તપાસ કરવા કહ્યું. પોસ્ટ મોર્ટમ કરનારા ડોક્ટર્સે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની ભલામણ કરી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ થયું ને તેમાં એવી વાત સામે આવી જેનાથી રાજકોટ રેલવે પોલીસની શંકા સાચી પડી. રાજકોટ રેલવે પોલીસના ઈન્સપેક્ટર એચ.એમ.રાણાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું, રેલવે ટ્રેક પાસેથી આ રીતે વિકૃત અવસ્થામાં લાશ મળે ત્યારે બે જ સંકેત હોય. કાં તો આત્મહત્યા કરી હોય અથવા ટ્રેન અડફેટે ચડીને અકસ્માત થયો હોય. પણ આ મહિલાના જમણા બાજુનો ખોપડીનો ભાગ ફાટી ગયો હતો. ટ્રેન નીચે મોટાભાગે આત્મહત્યા કરનારા ટ્રેક પર સૂઈ જતા હોય છે એટલે શરીર કપાઈ જાય. અથવા એન્જિનની સામે આવીને અચાનક ઊભા રહી જાય તો પણ આખા શરીરે ઈજા હોય. આ બેનને આખા શરીરના ભાગે ઈજા નહોતી પણ માત્ર માથાંના ભાગે જ પછડાટ વાગી હતી. ઘણીવાર પોલીસ લોકો પાયલટને પૂછીને પણ કન્ફર્મ કરતી હોય છે કે તમારી ટ્રેન સામે કોઈ વ્યક્તિ આવી ગઈ હોય એવું બન્યું હતું? લોકો પાયલટનું સ્ટેટમેન્ટ પણ પોલીસ માટે મદદરૂપ બની રહે છે. પણ આ કેસમાં લોકો પાયલટને એટલે ખ્યાલ ન હોય કારણ કે ટ્રેનના શરૂઆતના ત્રણ-ચાર કોચ પસાર થઈ ગયા પછી ધક્કો મારી દીધો. એચ.એમ.રાણાએ કહ્યું, મહિલાના બંને હાથમાં ચાંભા પડી ગયા હતા. એટલે કોઈ સાથે મારકૂટ થઈ હોવી જોઈએ એવું અમને લાગ્યું. અમે એ બહેનની દીકરીની પૂછપરછ કરી. દીકરીએ કહ્યું, પ્રકાશ સોલંકી સાથે ત્રણેક વર્ષથી પ્રેમ હતો. તે વારંવાર ઝઘડા કરીને મારતો હતો. તેણે જ પેટ્રોલપંપ પાસે મળવા બોલાવ્યાં હતા. આ કડી મળી એટલે રેલવે સ્ટેશનની બહારના અને પ્લેટફોર્મના સીસીટીવી તપાસ્યા. તેમાં 3 ઓગસ્ટની રાત્રે મંજુબેન અને પ્રકાશ જતાં દેખાયા. પ્રકાશ ગોંડલના ભગવતપરામાં જ રહે છે. તેને ત્યાંથી દબોચી લીધો. શરૂઆતમાં તો ગલ્લાં તલ્લાં કર્યો પણ અમુક સવાલોના જવાબ ન આપી શક્યો ને ગુનો કબૂલી લીધો. મહિલાની લાશની સ્થિતિ, માત્ર જમણી બાજુની ખોપડી ફાટવી અને બંને હાથ પર મારના નિશાન. આ બધાનો ક્યાસ કાઢીને પોલીસે ગણતરીના કલાકોમાં જ સાબિત કરી દીધું કે આ કેસ નથી આત્મહત્યાનો, નથી અકસ્માતનો. એકસ્ટ્રા મેરેટલ અફેરનું કલ્ચર એવી રીતે વધી રહ્યું છે કે, જો આમ જ ચાલતું રહેશે તો આવનારા વર્ષોમાં સમાજ વ્યવસ્થાની ધરી બદલાઈ જશે. આ બદીને રોકવી સંભવ નથી પણ તેને રોકવાના પ્રયાસો તો કરી જ શકાય. ગુજરાતની જ વાત લો. લગ્ન બાહ્મ સંબંધોમાં હત્યાને અંજામ આપ્યો હોય તેવી ઘટના દર મહિને બનવા લાગી છે. આ ઘટનાઓ વાંચો :-
Read full article on Divya Bhaskar