top
સુરત મનપાના સ્કૂલ બોર્ડના ઇન્ચાર્જ શાસનાધિકારીનું ટૂંકી માંદગી બાદ નિધન:ધર્મેશ પટેલના પરિવારે અંગદાનનો લીધો નિર્ણય, વહીવટી તંત્રમાં ભારે આઘાત
સુરત મહાનગરપાલિકાના સુમન સેલ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઇન્ચાર્જ શાસનાધિકારી તરીકે ફરજ બજાવતા ધર્મેશ પટેલનું ટૂંકી માંદગી બાદ વહેલી સવારે નિધન થતાં સમગ્ર વહીવટી તંત્રમાં ઊંડા શોકની લાગણી પ્રસરી ગઈ છે. અત્યંત શાંત, મૃદુ અને સૌમ્ય સ્વભાવ ધરાવતા ધર્મેશ પટેલની અચાનક વિદાયથી સુરત મનપા તંત્ર, તેમના પરિવારજનો તેમજ મિત્રવર્તુળમાં ભારે આઘાત વ્યાપી ગયો છે. ગાંધીનગરથી પરત ફરતી વખતે અચાનક તબિયત નાદુરસ્ત થઈ હતી સુરત મહાનગરપાલિકાના સુમન સેલનો સુચારુ વહીવટ સંભાળતા નિષ્ઠાવાન અધિકારી ધર્મેશ પટેલની થોડા સમય પૂર્વે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઇન્ચાર્જ શાસનાધિકારી તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. ગત શુક્રવારના રોજ તેઓ સરકારી કામ અર્થે ગાંધીનગર રવાના થયા હતા. ગાંધીનગરથી પરત ફરતી વખતે અચાનક તેમની તબિયત નાદુરસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં તેમની સઘન સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અકાળે અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું. ધર્મેશ પટેલના પરિવારે અંગદાનનો નિર્ણય લીધો બારડોલી ખાતે રહેતા ધર્મેશ પટેલના અંગત મિત્ર વર્તુળો તેમજ પરિવારજનો દ્વારા જણાવ્યા મુજબ, તેમણે અંગદાનનો સંકલ્પ કરેલ હોવાથી તેમની પરંપરાગત અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે નહીં. તેમના પાર્થિવ દેહને આવતીકાલે સવારે 9 વાગ્યાથી સ્નેહીજનો, સંબંધીઓ અને મિત્રોના અંતિમ દર્શન અર્થે રાખવામાં આવશે. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઈને અંગદાન અને દેહદાન માટેની નિર્ધારિત તબીબી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જીવન પર્યંત ઉત્કૃષ્ટ સેવા આપનારા ધર્મેશ પટેલે મરણોપરાંત પણ દેહદાન-અંગદાનનો રાહ ચીંધીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
Read full article on Divya Bhaskar