business
કચ્છમાં પાણી સંકટની આશંકા: કલેક્ટરે બેઠક યોજી:જળસંચય અને ભૂગર્ભ જળ માટે લાંબા ગાળાના આયોજન પર ભાર મૂક્યો
કચ્છ જિલ્લામાં ચોમાસું મોડું થવાને કારણે પાણીની ઉપલબ્ધતા અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓ ઝડપી કરી છે. કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં પાણી પુરવઠા, ડેમમાં પાણીનો જથ્થો, ભૂગર્ભ જળની સ્થિતિ અને ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં પાણી વિતરણની વ્યવસ્થાની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરે અધિકારીઓ પાસેથી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં પાણીની વર્તમાન સ્થિતિ વિશે માહિતી લીધી હતી. ડેમોમાં પાણીનો કેટલો જથ્થો છે અને તેની મર્યાદાઓ શું છે, આગામી દિવસોમાં પાણીની કેટલી જરૂર પડશે, માઇક્રો પ્લાનિંગ અને વૈકલ્પિક પાણી વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ટપ્પર ડેમમાંથી વધારાનું પાણી પંપ કરવાની કામગીરી, નવા બોર બનાવવા અને કચ્છ બ્રાન્ચ કેનાલ આધારિત માંડવી તાલુકાની પાણી યોજનાની પ્રગતિની વિગતો પણ મેળવવામાં આવી હતી. જરૂર પડ્યે ખાનગી ટેન્કરો દ્વારા પીવાનું પાણી પહોંચાડવા માટેની ટેન્ડર પ્રક્રિયાની પણ સમીક્ષા કરાઈ હતી. કલેક્ટરે પશુઓ માટે પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે પણ અધિકારીઓ પાસેથી માહિતી લીધી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે પાણીના દરેક સ્ત્રોતનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ અને ડેમમાંથી સિંચાઈ માટે થતી પાણીની ગેરકાયદે ચોરી રોકવી જોઈએ. પાણી ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી. ભવિષ્યમાં પાણીના સંકટનો સામનો કરવા માટે કચ્છમાં સ્થાનિક જળસ્રોતો વિકસાવવા, ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા અને મોટા પાયે જળસંચયની કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો. શહેરો અને ગામડાઓમાં નવા બાંધકામોમાં વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર ફરજિયાત બનાવવા માટે જરૂરી ઠરાવ કરીને કામગીરી આગળ વધારવાની સૂચના પણ અપાઈ હતી. બેઠકમાં પાણી પુરવઠા બોર્ડની રીજુવીનેશન યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી. ટોલ ફ્રી નંબર 1916 પર મળતી ફરિયાદો, જળસેવા આકલન અને પાણી વિતરણ વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરે તાલુકાવાર પાણીનો જથ્થો અને વિતરણની સ્થિતિ તપાસીને અલગ-અલગ વિભાગોના સહયોગથી મજબૂત આયોજન કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, અધિક કલેક્ટર પ્રણવ વિઠાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ, ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચિયન સહિત પાણી પુરવઠા બોર્ડ, વાસ્મો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar