top
રાજપીપલામાં રાજ્ય કક્ષાનો બાળગીત અને કાવ્ય પરિસંવાદ યોજાયો:ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજન; તાલીમી શિક્ષકોએ બાળ કાવ્ય લેખનનું માર્ગદર્શન મેળવ્યું
રાજપીપલામાં ગુજરાત સાહિત્ય અકાદમી, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બી.એડ કોલેજના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાજ્ય કક્ષાનો બાળગીત અને બાળ કાવ્ય પરિસંવાદ યોજાયો હતો. આ સાથે બાળ કાવ્ય લેખન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ગુરુવારે, 10 સપ્ટેમ્બર 2026ના રોજ હરસિદ્ધિ માતા મંદિર સામે આવેલી બી.એડ કોલેજ ખાતે સંપન્ન થયો હતો. અગ્રણીઓ અને બાળ સાહિત્યકારોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા તથા બી.એડ કોલેજના પ્રિન્સિપાલ મંજુલાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપ, મંત્રી દીપક જગતાપ, દિનેશ પ્રજાપતિ તેમજ જાણીતા બાળ સાહિત્યકાર ખોડાભાઈ પટેલ અને મંગળ રાવળ પણ ખાસ હાજર રહ્યા હતા. ભવિષ્યના શિક્ષકો અને નવા સાહિત્યકારો ઘડવાનો ઉદ્દેશ સંસ્થાનો પરિચય આપતાં જ્યોતિ જગતાપે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં બાળગીત અંગેનો આ પરિસંવાદ અને શિબિર પ્રથમવાર યોજાઈ રહી છે. બી.એડના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષક બનીને પાઠ્યપુસ્તકના બાળગીતો અભિનય અને ગાન સાથે સમજાવી શકે તે આ શિબિરનો મુખ્ય આશય છે. આ ઉપરાંત ક્ષેત્રમાં નવા બાળ સાહિત્યકારો તૈયાર થાય તેવો હેતુ પણ રાખવામાં આવ્યો છે. બાળ સાહિત્યકારોએ આપ્યું ગાન અને લેખનનું માર્ગદર્શન શિબિરમાં બાળ સાહિત્યકાર ખોડાભાઈ પટેલે બાળગીતનું સ્વરૂપ, પરિભાષા અને વિકાસ વિશે વિસ્તૃત માહિતી આપીને અભિનય સાથે રજૂઆત કરી હતી. કવિ મંગળ રાવળે બાળગીતમાં ભાષા, કલ્પનાશક્તિ અને ગાન-વાચનની શૈલી પર વ્યાખ્યાન આપ્યું હતું. તદ્ઉપરાંત તાલીમાર્થી વિદ્યાર્થીઓ પાસે બાળ કાવ્યો લખાવીને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
Read full article on Divya Bhaskar