top
વકીલો ફરી ફફડી ઉઠ્યા:ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો ખડકાયો
ગાંધીનગર સ્થિત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને આજે બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે. સવારના સુમારે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈમેલ પર એક ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો. આ મેલ મળતાની સાથે જ કોર્ટ સંકુલમાં હાજર ન્યાયાધીશો, વકીલો, અસીલો અને તમામ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને વકીલો તેમજ નાગરિકો સલામત અંતરે બહાર આવી ગયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર પોલીસ , એલસીબી, એસઓજી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તેમજ ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કોર્ટના ચારેય ખૂણા અને દરેક રૂમની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. સાવચેતીના પગલે સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે અને અફવાઓથી દૂર રહેવા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. શાળા, હોસ્પિટલ, મોલ્સ અને કોર્ટને ધમકીનો સિલસિલો યથાવત પ્રારંભિક તપાસમાં આ કોઈ અસામાજિક તત્વો દ્વારા કરાયેલું ઉત્પાત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સુરક્ષા એજન્સીઓ દ્વારા સાયબર સેલની મદદથી મેલ મોકલનારનું આઈપી એડ્રેસ ટ્રેક કરવાની સઘન તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અગાઉ પણ આવા પ્રકારની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો છે. થોડા સમય અગાઉ જ અમદાવાદ શહેરની અનેક જાણીતી શાળાઓ, હોસ્પિટલો તેમજ મોલ્સને પણ આ જ પ્રકારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. આ ઉપરાંત અગાઉ રાજ્યની અન્ય જિલ્લા કોર્ટો અને હાઈકોર્ટને પણ નિશાન બનાવીને આવી જ રીતે ખોટી ધમકીઓ આપવાના બનાવો સામે આવ્યા છે. જો કે, અગાઉની તમામ ઘટનાઓમાં પોલીસ તપાસ દરમિયાન આ ધમકીઓ માત્ર અફવા અને ડર ફેલાવવાનું ષડયંત્ર હોવાનું કહેવાઈ રહ્યું છે. કોર્ટ સંકુલની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી વારંવાર આવા મેઇલ મળવાની ઘટનાઓ પાછળ કોઈ મોટું કાવતરું છે કે પછી કોઈ અસામાજિક તત્વો દ્વારા ડર ફેલાવવાની માનસિક વિકૃતિ છે, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલ ગાંધીનગર કોર્ટ પરિસરમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દરેક શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે.આ પ્રકારની ધમકીઓથી નાગરિકોમાં ગભરાટ ફેલાવવાના પ્રયાસો સામે પોલીસ દ્વારા સાયબર ક્રાઈમની મદદથી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar