politics
હિંમતનગર પોલીસ હેડક્વાર્ટસમાં અંબાજી પદયાત્રીઓ માટે વિસામો શરૂ:પાંચ દિવસ ચા-નાસ્તો અને બે ટાઈમ ભોજન અપાશે, આરતી કરી પદયાત્રીઓને ભોજન પીરસ્યું
સાબરકાંઠામાંથી પસાર થતા અંબાજીના પદયાત્રીઓ માટે હિંમતનગર જિલ્લા પોલીસ કચેરીમાં વિસામાનું આયોજન કરાયું છે. જિલ્લા ડિટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ એમ.પી. પુરોહિત, જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ સી.પી. ચારણ સહિતના અધિકારીઓની હાજરીમાં પૂજા-આરતી કરવામાં આવી હતી. પદયાત્રીઓ માટે ભોજન, ચા-નાસ્તા સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. હિંમતનગરમાં જિલ્લા પોલીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરાયું છે. અહીં સવાર, બપોર અને સાંજ ચા-નાસ્તાની સાથે બપોર અને રાત્રે ભોજનની વ્યવસ્થા પણ છે. દર વર્ષે આશરે 10 હજાર જેટલા પદયાત્રીઓ આ સુવિધાનો લાભ લે છે. સાબરકાંઠા જિલ્લા ડિટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ એમ.પી. પુરોહિતના હાથે વિસામાનું ઉદ્ઘાટન થયું હતું. આ સમયે જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ સી.પી. ચારણ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. કાનૂની સેવા સત્તા મંડળ પદયાત્રીઓને કાનૂની સેવાઓ વિશે માહિતી આપી રહ્યું છે, જ્યારે ફાતિમા હોસ્પિટલ આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે. પદયાત્રીઓની સુરક્ષા માટે આવતીકાલથી હાઈવેનો એક તરફનો રસ્તો તેમના માટે ફાળવાયો છે. કલેક્ટરના જાહેરનામા મુજબ, આ રસ્તા પર વાહનોની અવરજવર બંધ રહેશે અને તેનો ઉપયોગ ફક્ત પદયાત્રીઓ કરશે. પોલીસે પદયાત્રીઓને રાત્રિ રોકાણ દરમિયાન પાણીના ખાબોચિયા કે નદીના કિનારા જેવી જોખમી જગ્યાએ ન રોકાવા વિનંતી કરી છે. ખેડબ્રહ્મા પાસે હરણાવ નદી અને ખેરોજ નજીક સાબરમતી નદી હોવાથી પોલીસે જરૂરી બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. આ વિસામાના શરૂઆતમાં હિંમતનગર ડિવિઝનના DYSP એ.કે. પટેલ, હેડક્વાર્ટસ DYSP પાયલ સોમેશ્વર, સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરીયા, SOG PI એ.એમ. વાળા, RPI પ્રદીપ પટેલ, એ ડિવિઝન PI કે.વાય. વ્યાસ, બી ડિવિઝન PI ડી.એન. વસાવા, SOG PSI પી.બી. ઝાલા, કે.યુ. ચૌધરી, એ.બી. શાહ, વી.આર. ચૌહાણ, સાયબર PSI રવિ પ્રજાપતિ સહિતના પોલીસ જવાનો સેવાકાર્યમાં જોડાયા હતા.
Read full article on Divya Bhaskar