politics
મોડાસામાં મહિલા જાગૃતિ શિબિર યોજાઈ:નારીશક્તિના જાગરણ સાથે સશક્ત સમાજનો સંદેશ અપાયો
મોડાસા ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનમાં યોજાયેલી આ શિબિરમાં નારીશક્તિના જાગરણ સાથે સશક્ત અને સંસ્કારી સમાજના નિર્માણનો સંદેશ અપાયો હતો. શિબિરનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં જાગૃતિ, આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને નારી સશક્તિકરણની ભાવના વિકસાવવાનો હતો. આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નારીશક્તિના મહત્વ પર પ્રકાશ પાડતાં પરિવાર અને સમાજના નિર્માણમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા. શિબિરમાં પ્રજ્ઞા પુત્રી મીનાક્ષીબેન કાબરીયા (વડોદરા), પ્રજ્ઞા પુત્રી પાયલબેન જે. પટેલ (વડોદરા) તથા પ્રજ્ઞા પુત્રી આશાબેન રાખોડિયા (સુરત) દ્વારા નારી જાગૃતિ અને સશક્તિકરણ અંગે પ્રેરણાદાયી પ્રવચનો આપવામાં આવ્યા હતા. વક્તાઓએ ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન, વર્તમાન યુગમાં નારીની ભૂમિકા, નારી સશક્તિકરણ, પરિવાર તથા સમાજના નિર્માણમાં મહિલાઓની જવાબદારી અને મહિલા મંડળની સ્થાપના જેવા વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં ઉત્સાહ અને જાગૃતિનો માહોલ જોવા મળ્યો હતો. "જાગૃત નારી જ સશક્ત પરિવાર અને સંસ્કારી સમાજનું નિર્માણ કરી શકે છે" — આ પ્રેરણાદાયી સંદેશ સાથે મહિલા જાગૃતિ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
Read full article on Divya Bhaskar