top
મોરબીના લાલપર પાસે ડમ્પરની ટક્કરથી યુવાનનું મોત:સર્વિસ રોડ પર રોંગ સાઈડથી આવતું હતું ડમ્પર; વતન રાજસ્થાન જઈ રહેલો યુવાન ભોગ બન્યો
મોરબીના લાલપર ગામ પાસે હાઇવે પરના સર્વિસ રોડ પર રોંગ સાઈડથી આવેલા ડમ્પરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ડમ્પરના ટાયર નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક યુવાન પોતાના વતન રાજસ્થાન જવા માટે નીકળ્યો હતો. બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વતન જવા નીકળેલા યુવાન સાથે દુર્ઘટના મૃતક યુવાન સુલ્તાન ખાન મૂળ રાજસ્થાનનો વતની હતો અને હાલ ઊંચી માંડલ ગામની સીમમાં આવેલી સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહાતો હતો. તે બપોરના સમયે લાલપર ગામ પાસે આવેલા સ્મશાન સામે સર્વિસ રોડ પરથી પોતાના વતન જવા માટે પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ બેફામ ઝડપે આવેલા ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી હતી. ડમ્પરના પાછળના ટાયર નીચે કચડાયો સર્વિસ રોડ પર રોંગ સાઈડથી ધસી આવેલા ડમ્પરની ટક્કર વાગતા જ યુવાન નીચે ફેંકાયો હતો અને ડમ્પરના પાછળના તોતિંગ ટાયર નીચે કચડાઈ ગયો હતો. શરીર પર ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે તેનું સ્થળ પર જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી બનાવ અંગે મૃતકના ભાઈ અકબર ખાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા આરોપી ડમ્પર ચાલકને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar