top
'સુરતમાં પાણી નથી મળતું પણ નશો ગલીએ-ગલીએ મળે છે':દારૂ, ડ્રગ્સ અને ખાડીપૂર મુદ્દે કોંગ્રેસ લાલઘૂમ, અમિત ચાવડાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું
સુરત શહેરમાં ખુલ્લેઆમ વેચાતા ગેરકાયદે દારૂ અને ડ્રગ્સના દૂષણ તેમજ તાજેતરમાં ખાડીપૂરથી સર્જાયેલી ભારે તારાજીના મામલે કોંગ્રેસ પક્ષે રાજ્ય સરકાર સામે આક્રમક મોરચો ખોલ્યો છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સુરતની મુલાકાત દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સીધો આરોપ મૂક્યો હતો કે, ગૃહમંત્રી પોતાના જ હોમટાઉનમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સાવ નિષ્ફળ સાબિત થયા છે, જેથી તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક અસરથી ગૃહમંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. ગલીએ-ગલીએ દારૂ-ડ્રગ્સનું નેટવર્ક અને પોલીસ હપ્તાખોરીનો આક્ષેપ સુરતમાં યોજાયેલી પક્ષની મહત્વપૂર્ણ કારોબારી બેઠક અને સ્થાનિક અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ સાધ્યા બાદ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આજે ઔદ્યોગિક શહેર સુરત દેશભરમાં ક્રાઇમ સિટી તરીકે કુખ્યાત થઈ રહ્યું છે. ભાવનગરમાં સર્જાયેલા ગંભીર લઠ્ઠાકાંડ છતાં રાજ્યનું પોલીસ અને વહીવટી તંત્ર જરાય સજાગ બન્યું નથી. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગેરકાયદે દારૂ અને સિન્થેટિક ડ્રગ્સનું વેચાણ સુરતમાં થઈ રહ્યું છે, જાણે અહીં પણ કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોવાઈ રહી હોય તેવી દયનીય સ્થિતિ છે. શહેરમાં સામાન્ય પ્રજાને પીવાનું શુદ્ધ પાણી મળવું મુશ્કેલ છે પરંતુ નશીલા પદાર્થો આસાનીથી ઉપલબ્ધ થઈ રહ્યા છે, કારણ કે તંત્ર માત્ર હપ્તાખોરી કરવામાં વ્યસ્ત છે. ખાડીપૂર, ગેરકાયદે બાંધકામો અને નાસીરનગર ડિમોલિશન પર નિશાન આ ઉપરાંત તેમણે ભાજપ શાસકો પર માનવસર્જિત ખાડીપૂર અને બિલ્ડરોને લાભ પહોંચાડવાના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ખાડી અને નદી કિનારે ગેરકાયદે પુરાણ તેમજ બાંધકામોને કારણે લાખો સામાન્ય લોકોની ઘરવખરી પૂરના પાણીમાં તણાઈ ગઈ છે અને નાના વેપારીઓ તથા કારખાનેદારોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. સરકારે પૂરપીડિતો માટે માત્ર નામ પૂરતું નજીવું સહાય પેકેજ આપીને સંતોષ માની લીધો છે. સાથોસાથ નાસીરનગર વિસ્તારમાં બિલ્ડરોને આર્થિક ફાયદો કરાવવા માટે ગરીબોના આશિયાના પર ગેરકાયદે બુલડોઝર ફેરવવામાં આવ્યું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. વિધાનસભા સત્રમાં સડકથી સદન સુધી લડત આપવાની જાહેરાત સુરતના બિસ્માર અને તૂટેલા રસ્તાઓ મુદ્દે હાઇકોર્ટે ફટકાર લગાવવી પડે તે શાસકો માટે ભારે શરમજનક બાબત હોવાનું જણાવતાં અમિત ચાવડાએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, સુરતમાં વકરેલો દારૂ-ડ્રગ્સનો વેપાર, કથળતી કાયદો અને વ્યવસ્થા, નાસીરનગર ડિમોલિશનમાં થયેલો અન્યાય અને ખાડીપૂરના નુકસાનના તમામ લોકપ્રશ્નોને લઈને કોંગ્રેસ આગામી વિધાનસભા સત્ર દરમિયાન સડકથી લઈને ગૃહ સુધી જોરદાર વિરોધ નોંધાવશે અને જનતાના હક માટે આંદોલન છેડશે.
Read full article on Divya Bhaskar