Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

દેવું કરીને ઘી પીતો મીડલ ક્લાસ:બચત કરવી તે ભૂતકાળ બન્યો, ઓનલાઈન ટ્રેડીંગે ખિસ્સાં ખાલી કરી નાખ્યા; ફરવા માટે પણ તગડી લોનનો ટ્રેન્ડ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 4, 2026 👁 1 views
દેવું કરીને ઘી પીતો મીડલ ક્લાસ:બચત કરવી તે ભૂતકાળ બન્યો, ઓનલાઈન ટ્રેડીંગે ખિસ્સાં ખાલી કરી નાખ્યા; ફરવા માટે પણ તગડી લોનનો ટ્રેન્ડ
આજનો મીડલ ક્લાસ દેવું કરીને ઘી પીવે છે. સંતાનો પાછળ લખલૂંટ ખર્ચ કરે છે પણ નોકરી નથી. લોન લઈલઈને જીવનની ગાડી ચાલી જાય છે. મીડલ ક્લાસ ધારે તો પણ પછેડી જેટલી સોડ તાણી શકતો નથી. ભારતનું મજબૂત વર્તમાન અને ઉજળું ભવિષ્ય મીડલ ક્લાસ પર ટકેલું છે. તે મીડલ ક્લાસની સ્થિતિ ઘંટીના પડ વચ્ચે પીસાતા ઘઉં જેવી છે. આ આખી વાત હવામાં નથી. હજારો લોકોને મળીને, રિસર્ચ કરીને ડેટા સાથે સૌરભ મુખર્જીએ પોતાની બુક 'બ્રેક પોઈન્ટ- ધ ક્રાઈસીસ ઓફ મીડલ ક્લાસ એન્ડ ધ ફ્યૂચર ઓફ વર્ક'માં મૂકી છે. તેમણે એવી વાતો કરી છે જે આંખ ઉઘાડનારી છે. આજે વાત મીડલ ક્લાસની... નમસ્કાર, મુંબઈમાં મોટી કંપની છે માર્સેલર્સ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ. તેના સ્થાપક છે સૌરભ મુખર્જી. તે મીડલ ક્લાસની સમસ્યા પર બે પુસ્તક લખી ચૂક્યા છે. પોતે સ્કૂલ ઓફ લંડનમાં ઈકોનોમિક્સમાં B.Sc અને M.Sc થયા છે. સમાજમાં બદલાતી અર્થવ્યવસ્થા અને હવે ક્યા પડકારો આવી શકે, તેનો ઊંડો અભ્યાસ કર્યો છે. પોતાના પુસ્તકમાં RBI, ઈન્કમટેક્સ અને સેબીના ડેટા સાથે ઉદાહરણો આપ્યા છે. મીડલ ક્લાસ માટે બહુ ઈન્ટરેસ્ટિંગ છે. ભારતનો મીડલ ક્લાસ આજે એક બ્રેકિંગ પોઈન્ટ પર પહોંચી ચૂક્યો છે મીડલ ક્લાસ પૈસા બનાવી નથી શકતો નથી અથવા બની શકતા નથી. અહીં વાત બચતની છે. મીડલ ક્લાસ ધારે તો પણ બચત કરી શકે તેવી સ્થિતિ રહી નથી. ભારતનું 'મોડલ ઓફ મિડલ ક્લાસ લાઈફ' 3 રીતે તૂટી રહ્યું છે. 1.) કાળા અક્ષર ભેંસ બરાબર યુનિવર્સિટી એજ્યુકેશન કરીને કોઈ ખાસ ફાયદો દેખાતો નથી. ગ્રેજ્યુએટ થયા પછી નોકરી ન મળતી હોય તેવા 30% યુથ છે. જે ભણ્યા જ નથી તેને કામધંધો મળતો નથી તેવા 4% જ લોકો છે. પેરેન્ટ્સ એવું વિચારતા હતા કે મારો દીકરો કે દીકરી ભણીગણીને આગળ વધશે, ગ્રેજ્યુએટ બનશે તો નોકરી મળશે. હવે આ મોડલ તૂટી રહ્યું છે. આના કારણે લોકોના મગજ પરથી ભણવાનું જૂનુન ઉતરશે. 2.) બચત ભૂતકાળ, દેવું કરીને ઘી પીવાનું આપણે પૈસા બચાવીએ છીએ. આપણે રૂઢિચૂસ્ત લોકો છીએ. ખોટા ખર્ચા કરતા નથી. આ ભારતના મીડલ ક્લાસની ઈમેજ છે. કોઈ ખોટા ખર્ચ કરે તો તેને લોકો મૂરખ કહે છે. હવે લાગે છે કે આ પિક્ચર પણ તૂટી રહ્યું છે. સોશિયલ મીડિયાની અસર એટલી વધારે છે કે લોકો લોન લઈને હરવા- ફરવા ચાલ્યા જાય છે. દેશનો મીડલ ક્લાસ 25% લોન રજા માણવા લે છે. બીજું, નવા ફોન લેવા, વધારે ટિકિટ ખર્ચીને કોન્સર્ટ જોવા જવી. કોલ્ડ પ્લે હોય કે IPL, લોકો એન્ટરટેઈન્મેન્ટ લેવા મોંઘી ટિકિટ ખર્ચી નાખે છે. ભારતીય મીડલ ક્લાસ હવે વિશ્વના સૌથી દેવું કરનારા લોકોમાં સામેલ છે. હાઉસ હોલ્ડ ડેબ્ટ એટલે લોકો ઉધાર લે છે તેની વાત કરું છું. તેમાં હોમ લોનને સાઈડમાં રાખી દો. ઘરમાં થતી આવક અને તેની સામે થતો ખર્ચ 30થી 33% વધારે છે. દુનિયાના બીજા દેશોમાં આ રેશિયો 15થી 22% ટકા વચ્ચે છે. ચાઈના, યુએસ 20% આસપાસ છે. આપણે 32%એ પહોંચી ગયા છીએ. એટલે મીડલ ક્લાસની માનો કે 100 રૂપિયા કમાણી હોય તો તેની સામે 32 રૂપિયા દેવું છે. પૈસાની લેવડદેવડ ખૂબ ઝડપથી થવા લાગી છે. જે પરિવારે લોન લીધી છે તેની 40% આવક તો EMI ચૂકવવામાં જ ચાલી જાય છે. દર બેમાંથી એક મીડલ ક્લાસ ભારતીય હવે દેવામાં છે. સૌરભ મુખર્જીએ નોંધ્યું છે કે, 70% મીડલ ક્લાસ એવા છે જેણે 50 હજારથી નીચેની લોન લીધી છે. એક જ પરિવારે ઓછામાં ઓછી 3 લોન લીધી છે. આમ જુઓ તો 50 હજાર એટલી મોટી રકમ નથી છતાં લોકો આટલી રકમની લોન લે છે. હું બુક લખતી વખતે લોકોને મળ્યો. તેમના દેવાં વિશે જાણ્યું. હું તો શોક થઈ ગયો કે સોશિયલ મીડિયાએ કેવી તબાહી મચાવી છે. મહત્વાકાંક્ષાનું ઈન્ડસ્ટ્રીલાઈઝેશન થઈ ગયું છે. પહેલાં એવું હતું ને કે પછેડી હોય એટલી સોડ તણાય. જેટલી કમાણી હોય તેટલા ખર્ચ કરાય. હવે આ પ્રથા તૂટી ગઈ છે. દરેકને જેટસેટ લાઈફ સ્ટાઈલ જીવવી છે. પછી ભલે કમાણી હોય કે ન હોય. 3.) 5 લાખની કમાણી હોય કે 1 કરોડની, બધા એક સ્વિમિંગ પુલમાં તરે છે જો નોકરી મળી જાય તો પૂરી મહેનતથી કામ કરીશું. ઓફિસમાં બેઠાં રહીશું ને બોસને ઈમ્પ્રેસ કરીશું. પ્રમોશન મેળવીશું ને જિંદગી જિંગાલાલા. લોકો આવું કરે છે. તેની ના નથી પણ ડેટા કહે છે કે રિયલ વેજસ (સાચી કમાઈ)ને એડજેસ્ટ કરવામાં 7-8 વર્ષ નીકળી જાય છે. બચત તો થતી નથી. છેલ્લા લગભગ એક દાયકાથી પગારમાં કોઈ વધારો થયો નથી, પણ તેની સામે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. રહેવાનો ખર્ચ (કોસ્ટ ઓફ લિવિંગ) દર વર્ષે 89% ના દરે વધી રહ્યો છે. તમારી સાચી કમાણી ઓછી થઈ રહી છે. દર વર્ષે કમાણી 3% પાછળ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં જોયું કે કોઈ ઈન્ફ્યુએન્સર કે કોઈ સ્ટાર માલદીવ્સ જાય ને મોજ કરે છે તો મીડલ ક્લાસ લોકોને પણ એમ થાય તે આપણે પણ ત્યાં જઈને મજા કરીએ. ખર્ચો ભલે થાય, લોન તો મળે જ છે ને. હું એવા લોકોને મળ્યો જેણે છેલ્લા 5 વર્ષમાં 700 જેટલી પર્સનલ લોન લીધી હતી. એક-એક વ્યક્તિએ 700 લોન લીધી છે. એ મને કહે છે કે 700માંથી 670 લોન તો ચૂકવી દીધી છે પણ અફસોસ કે બાકીની 30 લોન ચૂકવી શક્યો નથી એટલે ઉઘરાણીવાળા પાછળ પડી ગયા છે. એ માણસની કમાણી વર્ષની 5 લાખ આસપાસ હતી. પહેલાં પાંચ લોન લીધી. પછી એ લોન ચૂકવવા માટે બીજી લોન લેતો ગયો. લોનમાંથી લોન ચૂકવવા લાગ્યો. જો તમે પર્સનલ લોન લો છો, તો તમારા માટે વ્યાજ દરો લગભગ 12% હશે. પરંતુ ઓછી આવક ધરાવતા લોકો માટે વ્યાજ દરો 18%, 20% કે 22% સુધી હોઈ શકે છે. હવે તો ફેસેલિટી એવી થઈ ગઈ છે કે તમે અત્યારે બેઠાં બેઠાં ફોનથી જ 20 જેટલી લોન લઈ શકો છો. સૌરભ મુખર્જી કહે છે કે, હું બુક માટે આ પ્રકારના રિસર્ચ કરવા બેઠો હતો ત્યારે હું એક CFOને મળ્યો. મુંબઈની એક પ્રતિષ્ઠિત કંપનીના CFO હતા. તેણે 30 પર્સનલ લોન લીધી હતી. તે લોન ભરીને દેવાળિયો થઈ ગયો. તેની વાર્ષિક આવક 60 લાખ છે. હું 5 લાખ કમાનારને મળ્યો, 60 લાખ કમાનારને પણ મળ્યો. પણ ત્યારે મને થયું કે ભારતમાં આજે તમે વર્ષે 5 લાખ કમાઓ, 60 લાખ કમાઓ કે 1 કરોડ કમાઓ. બધા એક જ સ્વિમિંગ પુલમાં તરી રહ્યા છે. વ્હાઇટ-કોલર જોબ્સમાં ભારે ઓટ, પગારમાં ઘટાડો અને મોટું દેવું ભારતમાં કામ તો ઘણું છે પણ નોકરી નથી. નોકરી અને રોજગારમાં અંતર વધતું જાય છે. વર્ક સ્માર્ટ થઈ ગયું છે. માણસોએ સ્માર્ટ થવું પડશે. કામ છે પણ તેને શોધવું પડશે. સૌરભ મુખર્જી લખે છે, મુંબઈની મારી સોસાયટીની જ વાત કરું. મારી સોસાયટીમાં બિલ્ડીંગની 6 વિંગ છે. 200થી વધારે ફ્લેટ છે. તેમાંથી 100 ફ્લેટમાં પાલતુ પ્રાણી છે. કૂતરાં, બિલાડી છે. સોસાયટીમાં કાર વોશ કરનારા છે તેના બે દીકરા 18 વર્ષના હતા. કોવિડ વખતે. હવે તો 22,23 વર્ષના થઈ ગયા છે. પણ તેમણે કોવિડમાં કામ લીધું કે તેની સોસાયટીના 100 કૂતરાંને ફેરવવા લઈ જશે. સંભાળ રાખશે. આજે પાંચ વર્ષથી તે બંને ભાઈઓ આ જ કામ કરે છે ને વર્ષે 34 લાખ કમાય છે. બાકી દિવસમાં સ્માર્ટ ફોનમાં બેઠાં બેઠાં ગેમ રમે કાં રીલ્સ જોતા હોય છે. કોઈએ જાહેરાત નહોતી આપી કે ડોગ વોકિંગ, પ્લીઝ અપ્લાય. નોકરી નહીં, કમાણી ગમે તે રીતે કરી શકાય છે. આ જે સમજી લે છે તે કામ અને કમાણી બંને કરી જાણે છે. બાકી જે મનમાં સ્ટ્રેસ લઈને બેસે છે કે, મારી પાસે નોકરી નથી, શું કરીશ. તેને નોકરી મળી ગઈ તો ટાર્ગેટ સેટ કરવાના, બોસને ખુશ કરવાના, કંપનીને ખુશ કરવાની, પ્રમોશનની રાહ જોવાની.. આ સ્ટ્રક્ચર હવે ખતમ થઈ રહ્યું છે. 140 કરોડ લોકોમાંથી 2 કરોડ જ દેશને પૈસા આપે છે પહેલાં તો એ સમજી લો કે મીડલ ક્લાસ એટલે કોણ? કન્ઝ્યુમર સ્ટ્રેટેજિસ્ટ છે રમા બીજાપુરકર. તેણે એક પુસ્તક લખ્યું છે, લીલીપુટ લેન્ડ. તેમણે મીડલ ક્લાસની વ્યાખ્યા કરી છે કે મિડલ ક્લાસ એ વ્યક્તિ છે જે વર્ષમાં 5 લાખથી 30 લાખ વચ્ચે કમાય છે. પણ આ એમાઉન્ટના આધારે નક્કી કરીએ તો મીડલ ક્લાસની વસ્તી ઘટી જાય એટલે કમાણીનો રેશિયો ફેરવવો પડે. દેશની અડધી વસ્તીની કમાણી મીડલ ક્લાસની હોવી જોઈએ. ઈન્કમટેક્સના ડેટા મુજબ એવા 3 લાખ લોકો છે જે વર્ષે 1 કરોડથી વધારે કમાય છે. જે રિટર્ન ફાઈલ કરે છે તેની વાત છે. બાકી તો 9 લાખ લોકો 1 કરોડથી વધારે કમાય છે. કરોડો લોકો એવા છે જે વર્ષે 5 લાખ કે ઓછું કમાય છે. સૌરભ મુખર્જી માને છે કે મીડલ ક્લાસ વ્યક્તિને 5 લાખથી 1 કરોડ વચ્ચેની વાર્ષિક કમાણીમાં બેસાડી શકાય. મારા પુસ્તકમાં મેં આ વ્યાખ્યા બનાવી છે. મને ખબર છે કે ઘણા લોકો વાંધો ઉઠાવશે કે આટલી બધી કમાણીવાળા મીડલ ક્લાસ કેવી રીતે ગણાય? પણ મારે તો મારો ડેટા તૈયાર કરવાનો હતો એટલે કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના.. એવું વિચારીને મારું કામ કર્યું. ભારત સરકારના ડેટા મુજબ 5 લાખથી 1 કરોડની વાર્ષિક કમાણી હોય અને રિટર્ન ફાઈલ કરતા હોય તેવા લોકોની સંખ્યા 5 કરોડ છે. ભારતની વસ્તી 140 કરોડ, તેમાંથી મતદારો 100 કરોડ અને તેમાંથી માત્ર 5 કરોડ લોકો રિટર્ન ફાઈલ કરે છે. મીડલ ક્લાસ લોન લઈ લઈને કમાણી કરે છે તેના માટે ટેકનિકલ શબ્દ છે, હેડોનિક ટ્રેડમીલ. બધા ઉપર ને ઉપર જવા માગે છે. ફેબ્રુઆરી 2025માં નિર્મલા સીતારમણજીએ કહ્યું કે 12 લાખથી નીચે કમાણી હોય તેવા લોકોએ ઈન્કમટેક્સ આપવાની જરૂર નથી. એટલે જે લોકો રિટર્ન ફાઈલ કરે છે તેવા 5 કરોડ લોકોમાંથી 3 કરોડ નીકળી ગયા. બાકીના 2 કરોડ લોકો ટેક્સ ભરે છે. આ 2 કરોડ લોકો રાષ્ટ્ર માટે બહુ મહત્વના છે. કારણ કે તે 70% ઈન્કમટેક્સ અને 40% જીએસટી ભરે છે. ભારતમાં 25 કરોડ લોકો કમાય છે. પછી એ કામવાળા બેન હોયય ટેક્સી ડ્રાઈવર હોય કે પગાર મેળવનાર નોકરિયાત. આ સિવાય 25 કરોડ કૃષિમાં કામ કરે છે. બાકીના 50 કરોડ લોકો શું કરે છે તે ખબર નથી પણ ડેટા મુજબ બેઠા રહે છે. આ 100 કરોડ લોકો મતદારો છે. જે 25 કરોડ લોકો કમાય છે, તેમાંથી 5 કરોડ લોકો ફોર્મલ સેલેરી મેળવનારા લોકો છે. આ 5 કરોડમાંથી 2 કરોડ ટેક્સ આપે છે. જેના કારણે બીજા 20 કરોડ લોકોને રોજગારી મળે છે. એટલે રિટર્ન ફાઈલ કરનારા 5 કરોડ લોકો અસામાન્ય રીતે પ્રભાવશાળી લોકો છે. આ લોકોની કમાણીથી દેશની સરકારને પૈસા મળે છે. પ્લેનનો પાયલટ હોય કે બિલ્ડીંગનો સિક્યોરિટી ગાર્ડ હોય. એમને આપણી કમાણીમાંથી જ કમાણી થાય છે. જ્યારે આ 5 કરોડ ફાઈલર્સની જિંદગીના બધા સિદ્ધાંતો તૂટી જાય છે. પિલર્સ તૂટી જાય છે ત્યારે મોટો બદલાવ આવે છે. અમે બુક માટે સ્ટડી કર્યું ત્યારે ખબર પડી કે હવે બહુ મોટો બદલાવ આવી રહ્યો છે. મધ્યમ વર્ગના જીવનનું જે માળખું છે, તે તૂટી રહ્યું છે. આપણે આપણા ભવિષ્ય, આપણા બાળકોના ભવિષ્ય અને આપણા દેશના ભવિષ્ય માટે એક નવું માળખું બનાવવાની જરૂર છે. આ ફાઈલર્સની નાનકડી વસ્તી આપણી દેશની ઈકોનોમીનો પાયો છે. ભારતમાં દર વર્ષે 80 લાખ ગ્રેજ્યુએટ નીકળે છે, જોબ ઝીરો !! ઈન્ફોએચ કંપની છે તેનું કામ એમ્પ્લોયમેન્ટ ક્લાસિફાઈડનું છે. તેની પાસે 2008થી અત્યાર સુધીનો સોલિડ ડેટા છે. તો એ ડેટા મુજબ 2020 સુધી દર વર્ષે વ્હાઈટ કોલર જોબનો ગ્રોથ 11% દર વર્ષે હતો. એટલે દર છ વર્ષે વ્હાઈટ કોલર જોબ ડબલ થતી હતી. ભારતમાં દર વર્ષે 80 લાખ ગ્રેજ્યુએટ પેદા થાય છે. તો 2020 સુધી 3થી 4 લાખ લોકોને દર વર્ષે જોબ મળતી હતી. પછી કોવિડ આવ્યો. તેમાં વ્હાઈટ કોલર જોબનો ગ્રોથ ધીમો થયો. પણ છેલ્લા ત્રણ વર્ષનો ડેટા બોલે છે કે વ્હાઈટ કોલર જોબનો રેશિયો ઝીરો થઈ ગયો છે. 11%ની જગ્યાએ 1% જ ગ્રોથ છે. આની પાછળ IT સેક્ટરનો મોટો રોલ છે. IT સેક્ટરમાં જોબ ઘટવાનો રેશિયો માઈનસ 15% છે. આ AIનો પ્રહાર છે અને આગળ જતાં AIનું વિકરાળ રૂપ થશે. પણ માત્ર ITની વાત નથી પણ બીજા સેક્ટરમાં પણ જોબ્સ ઘટી રહી છે. બધે ઓટોમેશન આવી ગયું છે. એક જમાનામાં બેન્કમાં કેશિયર પૈસા આપતા હતા. લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. પછી ATM આવી ગયા. હવે તે પણ ઘટી રહ્યા છે, કારણ કે ડિજિટલ પેમેન્ટ વધ્યા છે. જીવનનો દરેક તબક્કો ઓટોમેટેડ થતો જાય છે. હાઈલી સ્કીલ્ડ છે તે સુપર સ્ટાર છે અત્યારે માહોલ એવો છે કે સીઈઓ કક્ષાના ઓફિસરોનો પગાર દિવસ-રાત વધી રહ્યો છે. સફાઈ કામદારો, મજૂરો કમાઈ શકે છે કારણ કે તેમને કામ મળી રહે છે પણ આ બંનેની વચ્ચેના લોકો છે, જેમ કે ઓફિસમાં સેક્રેટરી, એડમીન, ફેક્ટરીમાં ફોરમેન હોય તો તેની નોકરી જઈ રહી છે ને કામ પણ મળતું નથી. આને કહેવાય પોલરાઈઝેશન થિસિસ. લોઅર વર્કર ડિમાન્ડમાં છે. કારણ કે તેમનું કામ ક્યારેય ઓટોમેટેડ થવાનું નથી. જે હાઈલી સ્કીલ્ડ છે તે સુપર સ્ટાર છે. સોશિયલ મીડિયાએ મહત્વકાંક્ષા વધારી દીધી. દરેકની મહત્વકાંક્ષા એકસરખી કરી નાખી. દરેકને એવી લાઈફ જીવવી છે જે સોશિયલ મીડિયામાં જોવે છે. દરેકને ગ્લેમરસ લાઈફ સ્ટાઈલ જીવવી છે. ઓનલાઈન ટ્રેડીંગે ખિસ્સાં ખાલી કરી નાખ્યા એમાંય ઓનલાઈન સ્ટોક માર્કેટે દાટ વાળ્યો છે. જ્યારથી મોબાઈલમાં ઓનલાઈન ટ્રેડીંગ શરૂ થયું છે ત્યારથી પાડ પીટાઈ ગઈ છે. ભારતની જ વાત કરીએ તો સેબીના ડેટા મુજબ છેલ્લા ચાર વર્ષમાં 30થી 40 વર્ષ વચ્ચેના લોકોનાં ખિસ્સા ઓનલાઈન ટ્રેડીંગે ખાલી કરી દીધા. આ ભારતીયોના ખિસ્સાંમાંથી 4 લાખ કરોડ રૂપિયા કાઢી લેવાયા છે. 90 લાખ ભારતીયોના ખિસ્સામાંથી 4 લાખ કરોડ કાઢીને કોને આપ્યા? વોલ સ્ટ્રીટના હેજ ફંડમાં જાય છે. ભારત આ રીતે 5 બિલિયન ડોલર ગિફ્ટ કરે છે. બાકીના 5 બિલિયન છે તેના ભાગ પડી ગયા. ભારતના બ્રોકરેજને એક-બે બિલિયન મળ્યા છે અને મુંબઈના મહારથીઓને 3થી 4 બિલિયન મળ્યા છે. પિસાય છે એ વ્યક્તિ જે ફોન લઈને બેઠો છે ને વિચારે છે કે મેં યુટ્યૂબમાંથી શેર બજારના કોર્સ કર્યા હતા. રોકાણ કર્યું છે છતાં કમાણી કેમ થતી નથી? વ્યક્તિગત ખર્ચ કરવાનું ગાંડપણ અને તેની પાછળનું કારણ ફેન્ટસી લાઈફસ્ટાઈલ. એક્ઝામ આપવાની લત લાગી !! સૌરભ મુખર્જી લખે છે કે, આપણા દેશમાં લોકોને એક્ઝામ આપવાની લત લાગી ગઈ છે. કોઈ JEE આપે છે તો કોઈ UPSC આપે છે. તમે આ એક્ઝામ્સનો ડેટા જોશો તો સુપર લૉ છે. UPSC હોય કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ હોય. માંડ 2% પાસ થાય છે. પછી તેને આદત પડી જાય છે. દર વર્ષે પાસ થવાની આશામાં એક્ઝામ આપ્યા કરે છે. હું એવા ઘણા લોકોને મળ્યો છું જે 10 વર્ષથી UPSC એક્ઝામ આપી રહ્યા છે. અમે ત્યાં સુધી એક્ઝામ આપતા રહીશું જ્યાં સુધી અમે 32 વર્ષના ન થઈ જઈએ. કારણ કે UPSCની એક્ઝામની એજ લિમિટ 32 વર્ષ છે. આજે નહીં તો કાલે, એકવાર તો ચાન્સ લાગી જ જશે. એ રીતે લોટરી જેવું કલ્ચર થઈ ગયું છે. ફ્રેન્ચ ફિલોસોફર હતા લુઈસ આલ્થુઝર. તેણે કહેલું કે તમારે તમારી વસ્તી પર કંટ્રોલ રાખવો હોય તો બે રસ્તા છે. એક છે, લૉ એન્ડ ઓર્ડર. બીજો રસ્તો વધારે પાવરફૂલ છે. તેને કહેવાય આઈડિયોલોજિકલ સ્ટેટ એપરેટર્સ. એટલે લોકોના મનમાં ચોક્કસ વાત ઠસવી દેવી. જેમ કે આ એક્ઝામ તો આપવાની જ છે. એક્ઝામ આપ્યા પછી ન્યૂઝપેપરની એડમાં ફોટો છપાય, સેલિબ્રેશન થાય. સારા પેકેજની ઓફર મળે. આ માહોલ બને એટલે બીજા પેરેન્ટ્સને પણ એમ થાય કે આપણે પણ આવું કરવું છે. આપણે પણ આપણા છોકરાનો ફોટો છાપામાં છપાવવો છે. સારી નોકરી મેળવવી છે એટલે લોકો 10 વર્ષ સુધી એક્ઝામ આપ્યા જ કરે છે. નોકરિયાતોની સ્થિતિ વધારે કફોડી થવાની આપણે પુઅર કંટ્રીમાં આવીએ છીએ. ટેક્સ ભરનારાની એવરેજ ઈન્કમ 10થી 11 લાખ વર્ષની છે. એટલે આફ્રિકા જેટલી થઈ. એમાં હવે AI જોબ ખાઈ રહ્યું છે. એટલે નોકરિયાતોની સ્થિતિ વધારે કફોડી થવાની. આ 3 હકીકત છે, તેનાથી આંખ આડા કાન થઈ શકે નહીં. ભણવાથી કાંઈ થતું નથી. જોબ્સ છે નહીં બિઝનેસ કરવો તો ક્યો કરવો, તે ખબર નથી પણ આ ત્રણ વસ્તુ જેને સમજાઈ ગઈ તે પોતાનો રસ્તો કરીને આગળ વધે છે. અત્યારે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળો તો અઢી-ત્રણ લાખના પેકેજની જોબ મળી જાય. આજથી 20-22 વર્ષ પહેલાં આટલા જ પેકેજની જોબ મળતી હતી. મુંબઈ, બેંગ્લોર જેવા શહેરોમાં કન્સ્ટ્રક્શન કામ કરે છે તે વર્ષે 6- 7 લાખ કમાય છે. 20-22 વર્ષ સુધી સંતાનને ભણાવ્યા પછી, લાખો ખર્ચ્યા પછી મહિને 25 હજારના પગારની નોકરી મળે છે. પર હેડ ઈન્કમમાં ભારત કરતાં ચીન પાંચ ગણું આગળ છે ને અમેરિકા 30 ગણું આગળ છે. એક સમયે બ્રિટન સુપર પાવર હતું. અમેરિકા ગરીબ દેશ હતો. આજે અમેરિકા સુપર પાવર છે. ચીનમાં દુનિયાની અડધી બાયોટેક દવા બને છે. ભારતે પોતાની જગ્યા બનાવવી હશે તો મોનોપોલી જનરેટ કરવી પડશે. ભારતમાં નવા સ્ટાર્ટઅપ, નવા એન્ટરપ્રેન્યોર બની રહ્યા છે તે સારી વાત છે. પણ આપણે ત્યાં કાયદા એવા અટપટા છે કે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં ફીણ આવી જાય. જાતજાતની પરમિશન, લાયસન્સ મેળવવામાં લોઢાના ચણા ચાવવા પડે. લાયસન્સ રિન્યુ કરાવવા પડે. મોટાભાગનો સમય સરકારી પ્રોસેસમાં જાય છે એટલે યુથ કંટાળે છે. સતત અપસેટ રહેતો મીડલ ક્લાસ આજે મિડલ ક્લાસની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. એક સમયે લક્ઝુરિયસ ગણાતી વસ્તુઓ જરૂરિયાત બની ગઈ છે. કોઈ વ્યક્તિ ફ્રિજ ખરીદે તો ટેક્સ આપવાનો, કોઈ કાર ખરીદે તો ટેક્સ આપવાનો, કોઈ એસી ખરીદે તો ટેક્સ આપવાનો, કોઈ હોટલમાં જમવા જાય તો ટેક્સ આપવાનો. આજનો મિડલ ક્લાસ બધું ખરીદે છે. બધું માણે છે. તો પછી દરેક વસ્તુ પર ટેક્સ લાદી-લાદીને મધ્યમવર્ગને પરેશાન કેમ કરવાનો? આ બધાને કારણે મિડલ ક્લાસમાં ગુસ્સો છે. તે સતત અપસેટ રહે છે. સવારે ઊઠવાનું. નોકરીએ જવાનું. ઘરે પત્ની રસોઈ કરે. અઠવાડિયે એક રજા આવે ને જો ભૂલથીય ફરવા જવાઈ ગયું તો હજાર-બે હજારનો ખર્ચો સહેજ થઈ જાય. આ બધું મિડલ ક્લાસને પરવડે નહીં છતાં આજે હાલત એવી છે કે મહિનો પૂરો થવામાં હોય તો બેન્ક એકાઉન્ટમાં એકાદ હજાર રૂપિયા માંડ હોય. આર્થિક મજબૂત બનવા મહેનત કર્યા પછી પણ ઉગતું નથી તે છે મીડલ ક્લાસ. છેલ્લે, જ્યોર્જ બર્નાડ શૉનું વાક્ય છે- મારે બીજા માટે જીવવું છે, મારા માટે નહીં: આ જ મીડલ ક્લાસની નૈતિકતા છે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan