top
લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ:ડુમસના રાજહંસ બેલીઝામાંથી રાજસ્થાની યુવતી મળી આવી, બે સંચાલકો વોન્ટેડ
સુરતના ડુમ્મસ રોડ પર આવેલા હાઈપ્રોફાઈલ એપાર્ટમેન્ટમાં ચાલતા કૂટણખાના પર ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (A.H.T.U.)એ લાલ આંખ કરી છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડતાં દેહવિક્રયના દલદલમાં ફસાયેલી રાજસ્થાનની એક મહિલાને મુક્ત કરાવી છે. આ રેઈડ દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને વાંધાજનક સામગ્રી જપ્ત કરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે. ભાડે ફ્લેટ રાખી બહારથી યુવતી બોલાવી ચલાવતો હતો નેટવર્ક પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ડુમ્મસ એરપોર્ટ રોડ પર DPS સ્કૂલ પાસે આવેલા રાજહંસ બેલીઝા એપાર્ટમેન્ટના 10મા માળે ફ્લેટ નંબર 1004માં દેહવેપાર ચાલતો હોવાની બાતમી મળી હતી. આરોપી ક્રિષ્ણા ઉર્ફે બ્રિજેશ યાદવે આ ફ્લેટ ભાડે રાખ્યો હતો. તે મૂળ રાજસ્થાનની મહિલાને સુરત બોલાવી રાખી ઓળખીતા ગ્રાહકોનો સંપર્ક કરતો હતો અને શરીર સુખ માણવા માટેની સવલતો પૂરી પાડતો હતો. ગ્રાહક દીઠ 8 થી 10 હજાર વસૂલી મહિલાને માત્ર 4 હજાર અપાતા આ ગેરકાયદે ગોરખધંધામાં મુખ્ય સૂત્રધાર ક્રિષ્ણા યાદવ અને તેનો સાગરીત ચંપક ગ્રાહકો પાસેથી પ્રતિ વિઝિટ 8,000 થી 10,000 વસૂલતા હતા. જેમાંથી પીડિત મહિલાને માત્ર 4,000 ચૂકવવામાં આવતા હતા, જ્યારે બાકીના નાણાં આરોપીઓ પોતે રાખતા હતા. ગ્રાહકો પાસેથી પેમેન્ટ મેળવી મહિલાને તેમના હવાલે કરવાની આખી સિન્ડિકેટ કાર્યરત હતી. ડમી ગ્રાહક મોકલી રેઈડ, 1.18 લાખ રોકડા મળ્યા બાતમીની પુષ્ટિ કરવા A.H.T.U. સેલ દ્વારા એક ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. ઈશારો મળતાં જ ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. મહિલાના સામાનમાંથી કુલ 1,18,200/- ની રોકડ રકમ મળી આવી હતી. પૂછપરછમાં મહિલા 01/09/2026 થી સુરતમાં હોવાનું અને આ રકમ દેહવેપાર પેટે મળી હોવાનું સામે આવ્યું હતું. બંને આરોપી ફરાર, ડુમ્મસ પોલીસ મથકે સોંપાયો કેસ દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર ક્રિષ્ણા ઉર્ફે બ્રિજેશ યાદવ તેમજ તેનો માણસ ચંપક હાજર ન મળતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. પીડિતાને મુક્ત કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે મહિલા તેમજ જપ્ત કરાયેલ મુદ્દામાલ ડુમ્મસ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar