politics
જુવાનજોધ દીકરાની વિદાયથી સુખી-સંપન્ન કપલની જિંદગીમાં ખાલીપો આવ્યો:મોટી ઉંમરે બાળકની ઝંખના સામે કાયદાનો અવરોધ, માનવીય સંવેદનાથી ભરેલો કેસ હાઇકોર્ટ પહોંચ્યો
ગુજરાતનું એક સુખી સંપન્ન કપલ. કાળના ક્રૂર પંજાએ તેમની જિંદગીમાંથી અચાનક જુવાનજોધ દીકરાને છીનવી લીધો. હસતા-રમતા તેમના પરિવારમાં ખાલીપો આવી ગયો. તમામ સુખ હોવા છતાં એક દીકરાની ઉણપ તેમને બેચેન કરી દે છે. દીકરી છે પણ કાલે પરણીને સાસરે જતી રહેશે ત્યારે ઘડપણની એકલતા કોરી ખાશે એ ડરથી કપલના મનમાં ફરી એકવાર બાળકની કિલકારી સાંભળવાની આશા જાગી. જેથી તેમણે IVF ટ્રીટમેન્ટથી બાળકને જન્મ આપવાનું વિચાર્યું હતું. પણ તેમની આ ઇચ્છા સામે કાયદાનો અવરોધ આવ્યો. IVF ક્લિનિકે કાયદાને ધ્યાનમાં લઇને માતાની ઉંમર વયમર્યાદા કરતાં વધુ હોવાથી સારવાર આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એકતરફ કાયદાનો કોરડો છે તો બીજીતરફ સંતાનના આધારે ઘડપણ કાઢવાની આશા છે. માનવીય સંવેદનાઓને હચમચાવી નાખે તેવો આ કેસ હવે ગુજરાત હાઇકોર્ટના દ્વારે પહોંચ્યો છે. કેસ અતિ સંવેદનાથી ભરેલો હોવાથી કપલના વકીલ મોહિત બેંકર તથા તેમના અસીલોની ઇચ્છાને ધ્યાનમાં લઇને દિવ્ય ભાસ્કરે કપલની ઓળખ છતી ના થાય તેની પૂરેપૂરી કાળજી રાખવાનો પ્રયાસ કર્યો છે. જેથી અમે તેમના નામ કે શહેરનો ઉલ્લેખ નથી કર્યો. વાંચો આ સંવેદનાભર્યા કેસ વિશે. જે બાળકનું લાલન-પાલન કરીને મોટો કર્યો હોય અને યુવાનવયે તે અચાનક જિંદગીમાંથી વિદાય લઇ લે ત્યારે મા-બાપ પર શું વીતતી હોય એ તો માત્ર તેઓ જ કહી શકે. બાકી તો આવી કલ્પના પણ રૂવાડાં ઊભાં કરી દે તેવી હોય છે. દીકરો ગુમાવ્યો અને દીકરી પારકા ઘરે જતી રહેશે એક સુખી સંપન્ન ગુજરાતી કપલે 50-55 વર્ષે પોતાના જુવાનજોધ દીકરાને ગુમાવવો પડ્યો. તેમણે દીકરાની વિદાયથી આવી પડેલા ખાલીપાને દૂર કરવાનું વિચાર્યું.સંતાનમાં એક દીકરી તો છે પણ તે લગ્ન કરીને પારકા ઘરે જતી રહેશે. જેથી કપલે બાળક દત્તક લેવા કરતાં પોતે જ બાળકને જન્મ આપવાનું વિચાર્યું હતું. આ કારણે IVF ટ્રીટમેન્ટ ન મળી આ વિચાર પછી તેમણે IVF ટ્રીટમેન્ટ લઇને બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું હતું. તેના માટે IVF ક્લિનિકનો સંપર્ક કર્યો હતો પરંતુ ક્લિનિકે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (રેગ્યુલેશન) એક્ટ (ART)-2021ને ધ્યાને લઇ ટ્રીટમેન્ટ આપવાનો ઇન્કાર કર્યો હતો. કેમ કે દંપતીમાંથી મહિલાની ઉંમર આ કાયદા હેઠળ નક્કી કરાયેલી વયમર્યાદાથી વધુ હતી. જો કે પુરૂષની ઉંમર નક્કી કરાયેલી વયમર્યાદાની અંદર છે. જો ક્લિનિક આ કાયદાનું પાલન ન કરે તો તેની સામે કડક પગલાંની જોગવાઇ પણ આ કાયદામાં છે. હવે અહીંથી સંવેદના અને કાયદા વચ્ચેની લડાઇ શરૂ થાય છે. આ અંગે અરજદાર કપલના એડવોકેટ મોહિત બેંકરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, IVF સેન્ટરે ટ્રીટમેન્ટ આપવાની ના પાડી એટલે અમે જિલ્લા કક્ષાએ ચીફ મેડિકલ ઓફિસર, રાજ્ય કક્ષાએ આરોગ્ય વિભાગના સેક્રેટરી (સ્ટેટ બોર્ડ) અને સેન્ટ્રલ લેવલે નેશનલ બોર્ડમાં રજૂઆત કરી હતી. જેમાં અમે કહ્યું કે આ કેસમાં કપલ પૈકી વાઇફની વયમર્યાદા 50થી વધારે છે પણ હસબન્ડની વય 55 વર્ષ થઇ નથી એટલા માટે તેઓ ટ્રીટમેન્ટ માટે ગયા હતા. કપલમાંથી એક પણ અયોગ્ય હોય તો કાયદો મંજૂરી આપતો નહીં હોવાથી IVF સેન્ટર ટ્રીટમેન્ટ નથી કરતું. મામલો હાઇકોર્ટમાં શા માટે પહોંચ્યો? તેમણે વધુમાં જણાવ્યું કે, કપલ મારી પાસે આવ્યું ત્યારે અમે કાયદાનો અભ્યાસ કરીને બીજા રાજ્યોની હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરી હતી. જેમાં અમે સ્પષ્ટ લખ્યું હતું કે, કોલકાતા, પંજાબ, હરિયાણા અને કેરાલા હાઇકોર્ટે આવા કેસમાં ઉંમરને અલગ ગણી છે. જેથી આ કેસમાં પણ પતિ અને પત્નીની ઉંમર અલગ ગણવી જોઇએ અને ટ્રીટમેન્ટ આપવી જોઇએ પરંતુ ઓથોરિટી તરફથી કોઇ જવાબ નહોતો આવ્યો. જેથી અમારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવી પડી હતી. દીકરો ગુમાવવાનો જબરદસ્ત આઘાત લાગ્યો હાઇકોર્ટમાં કરેલી રજૂઆત અંગે તેઓ કહે છે કે, હસબન્ડ કે વાઇફ બેમાંથી જો કોઇ એકની પણ વયમર્યાદા નિયમાનુસાર હોય તો ટ્રીટમેન્ટ કરવા દેવી જોઇએ. જો ટ્રીટમેન્ટ નહીં મળે તો તેઓ પેરેન્ટ્સ તરીકેના અધિકારથી વંચિત રહેશે. કપલ તેમનો યુવાન દીકરો ગુમાવી બેઠાં છે. જેનો જબરદસ્ત આઘાત તેમને લાગ્યો છે. ભલે તેમને એક દીકરી છે અને તેને પણ સારો અભ્યાસ કરાવ્યો છે પણ દીકરીની લગ્નની ઉંમર થવા આવી છે. તે ઉચ્ચ અભ્યાસાર્થે કે લગ્નના કારણે બહાર જાય તો આ કપલના જીવનમાં એકલતા ના રહે અને પોતાની જે વ્યક્તિને ખોઇ બેઠા છે તેનો ખાલીપો પણ ના રહે. તેઓ આર્થિક રીતે સુખી છે જેથી બાળકનો ઉછેર સારી રીતે કરી શકશે, સારૂં શિક્ષણ અપાવી શકશે. કાયદો મંજૂરી આપતો ન હોવાથી કપલને પોતાના હાથ કપાઇ ગયા હોય તેવું લાગે છે. અમારી એવી પ્રાર્થના છે કે કોલકાતા અને દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને ધ્યાને લઇને આપણે પણ IVF ટ્રીટમેન્ટ માટે મંજૂરી આપવી જોઇએ. ટ્રીટમેન્ટની વાત પછી, પહેલાં ડૉક્ટર પાસે તો જવા દો તેમણે IVF ટ્રીટમેન્ટ અંગે કહ્યું કે મેડિકલમાં ડૉક્ટર્સ એક્સપર્ટ છે. ટ્રીટમેન્ટ કરાવ્યા પછી ગર્ભ ધારણ કરવો કે ન કરવો, સ્ત્રીનું ગર્ભાશય તે પ્રમાણે છે કે નહીં તે મેડિકલને લગતી બાબત છે પણ જો વયમર્યાદાના કારણે ટ્રીટમેન્ટનો દરવાજો જ બંધ કરી દેવાય તો આવા લોકો ડૉક્ટર પાસે જઇ જ ના શકે. કાયદામાં એવી વ્યવસ્થા કરી છે કે IVF ટ્રીટમેન્ટના દરેક સ્ટેજ પર કપલે મંજૂરી આપવાની હોય છે. જેના પછી IVF સેન્ટર આગળની ટ્રીટમેન્ટ કરી શકે છે. એટલે આમાં બળજબરીનો કોઇ પ્રશ્ન આવતો નથી. મારા મત પ્રમાણે કાયદો જો વયમર્યાદાના આધારે લોકોને તેના અધિકારોથી વંચિત કરે તો તે અયોગ્ય લાગે છે. કંઇક તો છૂટછાટ આપવી જોઇએ. મોટી ઉંમરે લગ્નથી પણ અનેક પ્રોબ્લેમ આવે છે એડવોકેટ બેંકર કહે છે કે, જો વયમર્યાદાનો બાધ આવે તો અનેક કપલ પેરેન્ટસ બનવાથી વંચિત રહેશે. આજની તારીખમાં અત્યારની જે યંગ જનરેશન છે તે બહુ મોડા લગ્ન કરે છે. તેના કારણે ઘણાં બધાં ઇસ્યૂ થાય છે. મોડા લગ્ન થયા હોય અને ગર્ભધારણ મોડો થયો હોય તો IVFમાં એક-બે સાયકલમાં કંઇ થતું નથી. ઘણીવાર ત્રણ-ચાર સાયકલ થતી હોય છે. સાયકલોનો ટાઇમ ડયૂરેશન પણ લાંબો હોય છે. તેના કારણે ઘણીવાર એવું પણ બને કે કપલ પોતાની કાયદાએ નક્કી કરેલી વયમર્યાદા ક્રોસ કરી જાય. એટલે કોઇ IVF સેન્ટર તેમને ટ્રીટ કરતું નથી. હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઇએ જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસર, આરોગ્ય વિભાગના સચિવ તથા નેશનલ બોર્ડ સામે નોટિસ કાઢીને જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આજે સુનાવણી થવાની છે. આજથી દાયકાઓ પૂર્વે નાની ઉંમરમાં લગ્ન થતા હતા. ત્યારપછી સમાજમાં જાગૃતિ આવતાં બાળ લગ્ન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે લગ્ન માટે યુવતીની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ નક્કી કરતો કાયદો પસાર કર્યો હતો. હવે જિંદગીમાં સેટ થઇને પછી સંતાન વિશે વિચારવાનો ટ્રેન્ડ જૂનવાણી વિચારો પ્રમાણે લગ્ન પછી બાળક વહેલું લાવી દેવાનો આગ્રહ રખાતો હતો. તેની પાછળનું લોજીક એવું રજૂ કરાતું કે મા-બાપ વૃદ્ધ થાય તે પહેલાં છોકરો કમાતો થઇ ગયો હોય તો બીજી સમસ્યાઓ ઊભી થતી નથી. આ બાબતે આજની જનરેશન અને જૂની જનરેશન વચ્ચે મતમતાંતર પ્રવર્તે છે. પરિણામે આજે યુવાનો જીવનમાં સેટલ થયા પછી જ લગ્ન કરવામાં માને છે. જેના કારણે જોઇએ તો લગ્નની સરેરાશ વય 28, 30 વર્ષ કે તેનાથી વધુ થવા લાગી છે. તેમાંય વળી કેટલાંક કિસ્સાંઓમાં તો નવયુગલ લગ્ન પછી પણ થોડો સમય લાઇફ એન્જોય કર્યા બાદ બાળક અંગે વિચારતાં હોય છે. આજે આ એક કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે પરંતુ આજની પરિસ્થિતિ જોતાં ભવિષ્યમાં આ પ્રકારના કેસોની સંખ્યા વધે તો નવાઇ નહીં.
Read full article on Divya Bhaskar