top
હારીજ કોલેજ ક્વિઝમાં કલામ ટીમ વિજેતા:વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન હેતુથી સ્પર્ધાનું આયોજન
સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, હારીજ ખાતે વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન, તર્કશક્તિ અને સ્પર્ધાત્મક અભિગમ વિકસાવવાના હેતુથી એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કલામ ટીમ વિજેતા બની હતી. આ કાર્યક્રમનું આયોજન સપ્ત ધારાની જ્ઞાન ધારા અંતર્ગત ડૉ. કમલેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કૉલેજના કુલ ૧૨ વિદ્યાર્થીઓને ભાભા, વિક્રમ, કલામ અને રામન એમ ચાર ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા. આ ક્વિઝ કુલ ચાર રાઉન્ડમાં યોજાઈ હતી. સ્પર્ધામાં કૉલેજના વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, રમતગમત, સાહિત્ય અને વર્તમાન પ્રવાહો સહિતના વિવિધ વિષયો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની જ્ઞાનક્ષમતા અને ઝડપી નિર્ણયશક્તિનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, આત્મવિશ્વાસ અને તંદુરસ્ત સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ થાય તેવા વિવિધ રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. સ્પર્ધાના અંતે વિજેતા ટીમો તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કૉલેજના આચાર્યએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી આવા જ્ઞાનવર્ધક અને સર્જનાત્મક કાર્યક્રમોમાં વધુમાં વધુ ભાગ લેવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૉલેજના અધ્યાપકો તથા કર્મચારીઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.
Read full article on Divya Bhaskar