top
નારોલમાંથી 445 ગ્રામ ગાંજા સાથે બારેજાનો શખ્સ ઝડપાયો:સુરતથી ગાંજો લાવી વટવા સાસરીમાં સંતાડ્યો હતો, ત્યાંથી બારેજા લઈ જતી વખતે પોલીસે પકડ્યો
અમદાવાદના નારોલમાં આવેલી નવી બનતી તિરુપતિ એન્કલેવ સ્કીમ પાસે, કેનાલ ચાર રસ્તા પરથી 445 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 22 હજારનો ગાંજા સહિત કુલ રૂ. 60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછ કરતા જથ્થો સુરતથી લાવ્યો હોવાનું અને વટવા સ્થિત સાસરીમાં રાખ્યા બાદ પોતાના ઘરે લઈ જતો હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 445 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો નારોલ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, બારેજા ખાતે રહેતો ભાઈલાલ વાઘરી નામનો શખ્સ સ્પ્લેન્ડર બાઇક પર ગાંજાનો જથ્થો લઈને તિરુપતિ એન્કલેવ કેનાલ ચાર રસ્તાથી એસ.પી. રિંગ રોડ થઈ બારેજા તરફ જવાનો છે. બાતમીના આધારે પોલીસે બાઇકની આગળના ભાગે નંબર પ્લેટ ન હોવાથી એક યુવકને પકડ્યો હતો. પૂછપરછમાં તેનું નામ ભાઈલાલ જણાવતા પોલીસે ચેકિંગ કર્યું હતું. જેમા તેની પાસેથી 445 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સાસરીમાં રાખેલો જથ્થો પોતાના ઘરે બારેજા લઈ જતો હતો પૂછપરછ દરમિયાન આરોપી ભાઈલાલ વાઘરીએ જણાવ્યું હતું કે, તે સુરત રેલવે ફાટક પાસેથી કોઈ અજાણ્યા શખ્સ પાસેથી ગાંજો લાવ્યો હતો. આ જથ્થો તેણે વટવા ચાર માળિયા ખાતે આવેલી પોતાની સાસરીમાં રાખ્યો હતો અને ત્યાંથી પોતાના ઘરે બારેજા લઈ જતો હતો ત્યારે પકડાઈ ગયો હતો. આ અંગે પોલીસે અજાણ્યા શખ્સ સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar