business
MP ગ્રૂપ ઓફ કંપનીના મીહિર પરીખ સામે વધુ એક ફરિયાદ:શેરબજાર અને મ્યુચ્યુલફંડમાં રોકાણ કરાવી વસ્ત્રાલના વેપારી પાસેથી 41 લાખ પડાવ્યા, મહિને 2% રિટર્નની લાલચ આપી'તી
અમદાવાદમાં એમ.પી.ગ્રૂપ ઓફ કંપનીના મહાઠગ મીહીર જીતેન્દ્રભાઈ પરીખ, પત્ની ધારા મીહીરભાઈ પરીખ, માતા ગીતા જીતેન્દ્રભાઈ પરીખ અનેહેમરાજસિંહ વિક્રમસિંહ રાણાએ વધુ એક વેપારીને ફેક MY WEALTH એપમાં શેરબજાર અને મ્યુચ્યુલફંડમાં રોકાણ કરાવી 41 લાખ પડાવ્યા છે. જેમાં મહિને 2 ટકા રિટર્નની લાલચ આપી હતી. આ અંગે વેપારીએ ચારેય સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહત્ત્વનું છે કે, મીહિર પરીખ, તેના પત્ની અને માતા તથા હેમરાજસિંહ રાણા સામે અગાઉ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં 2 અને EoWમાં 8 જેટલી ફરિયાદ નોંધાઈ ગઈ છે. આ ઉપરાંત ગુજરાતમાં 21 અને મુંબઈમાં 3થી 5 જેટલા ચેક રિટર્નના કેસ ચાલી રહ્યા છે. 41 લાખ આરોપીઓની પેઢીના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા વસ્ત્રાલમાં રહેતા રૂપેશસિંગ તોમર ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. ગતવર્ષ 2024માં મીહીર પરીખે રૂપેશસિંગને શેરબજારમાં રોકાણ કરી માસિક 2% અને વાર્ષિક 24% રિટર્નની લાલચ આપી હતી. તે વખતે રોકડ ન હોવાથી મીહીરે પીરામલ ફાઇનાન્સમાંથી તેમના મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો પર 10.15 ટકાના વ્યાજે લોન અપાવી હતી. તેમાંથી એપ્રિલ 2024એ રૂપેશસિંગના પિતાના બેંક ખાતામાંથી રૂ. 38 લાખ અને પોતાના ખાતામાંથી રૂ. 3 લાખ સહિત કુલ રૂ. 41 લાખ આરોપીઓની પેઢીના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. વળતરનો ખોટો ડેટા દર્શાવવાનું શરૂ કર્યું રોકાણ કર્યા બાદ આરોપીઓએ રૂપેશસિંગનો વિશ્વાસ જાળવી રાખવા તેમની કંપનીની MY WEALTH નામની એપ્લિકેશનમાં શેરબજારમાં અલગ-અલગ કંપનીના શેર ખરીદ કર્યાનો અને તેના પર મળતા વળતરનો ખોટો ડેટા દર્શાવવાનું શરૂ કર્યું હતું. 3 મહિના બાદ વળતરની માંગણી કરી ત્યારે મીહીરે નવી કંપની ચાલુ કર્યાનું બહાનું કાઢી સમય પસાર કર્યો હતો. રોકાણના બહાને કરોડો ઉઘરાવી કૌભાંડ આચર્યું તેમજ ડિસેમ્બર 2025માં મીહીરે એક ખોટી પીડીએફ ફાઈલ મોકલી જેમાં શેર વેચી દીધા હોવાની વિગતો હતી અને 2-3 દિવસમાં પૈસા મળી જશે તેવું જણાવ્યું હતું. જોકે તપાસ કરતા રૂપેશસિંગ અને તેમના પિતાના નામે કોઈ જ શેર ખરીદવામાં કે વેચવામાં આવ્યા ન હોવાનું ખુલ્યું હતું અને તેમના નાણાં આરોપીઓએ અંગત વપરાશમાં લઈ લીધા. આરોપીઓએ સંગઠિત થઈને અનેક લોકો પાસેથી શેરબજારમાં રોકાણના બહાને કરોડો રૂપિયા ઉઘરાવી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. ચારેય સામે ફરિયાદ નોંધાઈ આ અંગે રૂપેશસિંગએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચારેય સામે ફરિયાદ નોંધાવી છે. અગાઉ પણ આ પેઢી વિરુદ્ધ ફરિયાદો અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ છે. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, ધર્મેશભાઈ શાહ, રંજનબેન ઠાકર અને બાબુલાલ પટેલ નામના અન્ય નાગરિકો પણ આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડીનો શિકાર બન્યા છે.
Read full article on Divya Bhaskar