top
મોરબીમાં ત્રણ અલગ-અલગ ઘટનામાં 3 લોકોના મોત:યુવતીએ આપઘાત કર્યો, બે યુવાનના પતરા પરથી પડતાં અને કેનાલમાં ડૂબી જવાથી મોત
મોરબી જિલ્લામાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે. નીચી માંડલ ગામ પાસે એક યુવતીએ કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જ્યારે લખધીરપુર રોડ પર બે યુવાનોના મોત થયા છે. એક યુવાન પતરા પરથી પડી ગયો હતો અને બીજાનું કેનાલમાં ડૂબી જવાથી મોત થયું હતું. પોલીસે ત્રણેય બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. નીચી માંડલ ગામ પાસે આવેલા શેરોન સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી પ્રિયાબેન વિનોદભાઈ નાગર (ઉંમર 18)એ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરના પલાસ ગામના કાનાભાઈ મોતીભાઈ ગમારા મોરબીના લખધીરપુર રોડ પર આવેલા કોરલ ગોલ્ડ યુનિટ બે સિરામિક કારખાનામાં કામ કરતા હતા. તેઓ શેડમાં પતરાનું કામ કરી રહ્યા હતા ત્યારે પતરું તૂટી જવાથી તેઓ ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા. તેમને ગંભીર ઈજા થઈ હતી. કાનાભાઈને પહેલા મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે વિપુલભાઈ કુકાભાઈ ગમારા (રહે. લખધીરપુર, મોરબી)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે આ મામલે પણ તપાસ શરૂ કરી છે. ત્રીજી ઘટનામાં, મોરબીના લખધીરપુર રોડ પર આવેલા આલ્ફા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો રાહુલભાઈ માનસિંગભાઈ નાયક (ઉંમર 26) કેનાલના પાણીમાં ડૂબી ગયો હતો. તેનો મૃતદેહ કેનાલના વહેતા પાણી સાથે મચ્છુ બે ડેમ સુધી પહોંચી ગયો હતો. રાહુલભાઈનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે આ બનાવની પણ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar